ગ્લાસ્ગોની વેસ્ટ જ્યોર્જ સ્ટ્રીટની પાર્ક ઇન હોટલ પર શુક્રવારે તા. 29ના રોજ બપોરે 1-30 કલાકે એક હુમલાખોરે છરા વડે હુમલો કરી પોલીસ અધિકારી, હોટેલના બે રીસેપ્શનીસ્ટ સહિત 6 જણાને ઇજાઓ કરી હતી. આતંકી હુમલાખોરને થોડી મિનિટોમાં સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ ગોળી મારી ઠાર માર્યો હતો. પોલીસે આ ઘટનાને મોટી ઘટના જાહેર કરી હતી. ગંભીર રીતે ઘાયલ પોલીસ અધિકારી, સીયેરા લીયોનના 17 વર્ષના યુવાન સહિત છ ઘાયલ લોકો હાલ ગ્લાસ્ગો રોયલ ઇન્ફર્મરી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઠાર મરાયેલો 28 વર્ષનો શંકાસ્પદ બદરૂદ્દીન અબદલ્લા આદમ મૂળ સુદાનનો વતની હતો. તે પોતે આ હોટાલમાં આઇસોલેશનમાં રહ્યો હતો અને તેની માનસિક હાલત સારી ન હતી તેમ તેના પરિવારજનોએ જણાવ્યું હતું.
ઘટના બાદ વાયરલ થયેલા એક વીડિયોમાં નજીકના પેવમેન્ટ પર ઘાયલ પોલીસ અધિકારી અને બીજી વ્યક્તિ વહી રહેલા લોહી સાથે પડ્યા હોવાનું જણાયું હતું. ગ્લાસ્ગોની પાર્ક ઇન હોટલના દાદર પરથી ત્રણ ઇજા પામેલી હાલતમાં મળી આવ્યા હતા. બનાવને પગલે શહેરના સીટી સેન્ટર વિસ્તારમાં અડધો માઇલનો કોર્ડન કરી દેવાયો હતો. એક સાક્ષીએ દાવો કર્યો હતો કે હુમલામાં હોટેલનો એક રિસેપ્શનિસ્ટ ઘાયલ થયો હતો.
હુમલો શરૂ થયો ત્યારે બિલ્ડિંગમાં ખોરાક લઈ જતા હીરો ડિલિવરી ડ્રાઈવરે કહ્યું હતુ કે ‘હું હોટલમાં ગયો ત્યારે હુમલખોરે રિસેપ્શનિસ્ટ અને મેઇન્ટેનન્સ બોયને ચાકુ મારી દીધુ હતું. હુમલાખોર પાછો દોડીને પોતાના રૂમમાં ગયો હતો જેને સશસ્ત્ર પોલીસે તેના રૂમમાં જઇ ગોળી મારી હતી. હું તેનુ લોહી રોકવા પ્રયત્ન કરતો હતો. પણ તેનો ઘા ભયાનક હતો.’
પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હોવાનું માનવામાં આવે છે. આ ભયાનક ઘટના લંડન નજીકના રેડીંગના એક પાર્કમાં થયેલા શંકાસ્પદ આતંકી હુમલાના છ દિવસ પછી બની છે. જોકે પોલીસે હજી સુધી ગ્લાસગોની ઘટના માટે કોઈ હેતુ રજૂ કર્યો નથી.
માનવામાં આવે છે કે હોટેલ શહેરના સેન્ટરમાંની છમાંથી એક છે જેનો સમાવેશ કોરોનાવાયરસ સંકટ દરમિયાન એસાયલમ સીકર્સને રહેવા માટે અસ્થાયી આવાસ તરીકે કરવામાં આવ્યો છે.