બ્રિટનના હવાઇમથકો પર કામ કરતા 20,000 લોકોની નોકરીઓ કોરોનાવાયરસ કટોકટી પછી જઇ શકે છે એવી ચેતવણી 50૦થી વધુ એરપોર્ટનું પ્રતિનિધિત્વ કરતા એરપોર્ટ ઓપરેટર્સ એસોસિએશન (AOA) દ્વારા આપવામાં આવી છે. યુકેના એરપોર્ટ્સ પર ભાવિ મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થવાની અપેક્ષા છે.
AOAના ચીફ એક્ઝિક્યુટિવ કારેન ડીએ જણાવ્યું હતું કે સરકારે ક્વોરેન્ટાઇનને રદ કરવું, બિઝનેસ રેટ્સમાં રાહત આપવી, જોબ રીટેન્શન સ્કીમનો વ્યાપ વધારવો, સેક્ટર રેગ્યુલેટરને સીધુ ભંડોળ આપવુ અને નોકરી બચાવવા એર પેસેન્જર ટેક્સને સ્થગિત કરવો જોઈએ. સરકારને દેશના એરપોર્ટ ઉદ્યોગની કટોકટીને ઓળખીને યુકેના ઉડ્ડયન ઉદ્યોગને ટેકો આપવાની અને આજીવિકાના રક્ષણ માટે પગલાં લેવાની જરૂર છે.”
યુકે સ્થિત બ્રિટીશ એરવેઝ, વર્જિન એટલાન્ટિક અને ઇઝિજેટે પહેલેથી જ લગભગ 20,000 જેટલા લોકોને છૂટા કરવાની ઘોષણા કરી દીધી છે. દેશના સૌથી મોટા એરપોર્ટ હિથ્રોએ પણ સ્વૈચ્છિક રીડન્ડન્સી યોજના શરૂ કરી છે. સ્વિસ્પોર્ટે જણાવ્યું હતું કે તે યુ.કે. અને આયર્લેન્ડમાં તેના વર્કફોર્સનો 53 ટકા હિસ્સો એટલે કે 4,556 નોકરીઓ ઘટાડી શકે છે. તેણે આગાહી કરી છે કે રોગચાળાને કારણે પ્રાદેશિક આવક અડધાથી વધારે ઘટશે. ચીનની એચ.એન.એ. ગ્રુપની માલિકીની સ્વિસ્પોર્ટ 47 દેશોમાં 300 એરપોર્ટ પર ઑપરેશન સાથે એરપોર્ટ ગ્રાઉન્ડ સર્વિસિસ અને એર કાર્ગોનું સંચાલન કરે છે.