કોવિડ-19 કટોકટીના કારણે રોયલ મેઈલ ખર્ચ ઘટાડવાની યોજનાના ભાગરૂપે 2,000 જેટલા મેનેજમેન્ટ રોલ પર કટ મૂકનાર છે જેને કારણે કંપનીના દર પાંચમાંથી એક મેનેજરની નોકરી જશે. જો કે આ કાપમાં ડિલિવરી સ્ટાફનો સમાવેશ થતો નથી.
આઇટી, ફાઇનાન્સ, માર્કેટિંગ અને વેચાણ સહિતના ક્ષેત્રોમાં, માર્ચ 2021 સુધીમાં મેનેજર્સને છૂટા કરશે. જો કે કંપનીના 90,000 પોસ્ટલ કામદારોને આ કાપથી અસર થશે નહીં. વર્ષોથી નફામાં થતા ઘટાડા, પત્રોના વોલ્યુમમાં ઘટાડો અને ઑનલાઇન શોપિંગ સાથે જોડાયેલા પાર્સલમાં વધારાનો જવાબ આપવામાં મળેલી નિષ્ફળતાને કારણે આમ થયું છે. રોગચાળા દરમિયાન પાર્સલ વધ્યા હતા અને પત્રો ઘટ્યા હતા.
રોયલ મેઇલ ગ્રુપના વચગાળાના ચીફ એક્ઝિક્યુટિવ અને બ્રિટીશ એરવેઝના ભૂતપૂર્વ બોસ, કીથ વિલિયમ્સે કહ્યું હતું કે આ “તાત્કાલિક કાર્યવાહી” આવતા વર્ષે સ્ટાફના ખર્ચમાં £130 મિલિયનની બચત કરવામાં મદદ કરશે. કંપનીએ આગામી બે વર્ષમાં વધુ £300 મિલિયનનો ખર્ચ ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.