દરરોજ કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં વિક્રમસર્જક વધારો થઇ રહ્યો છે તેનું કારણ એ છે કે કોરોના મહામારી મોટા દેશોમાં તેની પરાકાાએ પહોંચી ગઇ છે તેની સાથે સાથે દુનિયાના વિવિધ દેશોની પ્રવૃત્તિમાં થયેલાં ફેરફારની અસર પણ વાઇરસનો ચેપ ધરાવનારાની સંખ્યા પર પડી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમરજન્સીઝ ચીફ ડો. માઇકલ રયાને જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની સંખ્યા એટલા માટે પણ વધી રહી છે કે સંખ્યાબંધ વધુ વસ્તી ધરાવતાં દેશોમાં મહામારી મોટાપાયે પ્રસરી રહી છે.
કેટલાક દેશો તેમના વધી રહેલા કેસોની સંખ્યા માટે વધેલાં ટેસ્ટિંગને અપયશ આપે છે પણ અમે આ વાત માનતાં નથી. સંખ્યાબંધ દેશોમાં હોસ્પિટલોમાં દાખલ થનારા અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેનું શ્રેય ટેસ્ટિંગને આપી શકાય તેમ નથી.
અમેરિકા અને ભારતે ટેસ્ટિંગની સંખ્યા વધવાથી તેમના કોરોનાના દર્દીઓની સંખ્યા વધી હોવાનો દાવો કર્યો હતો. હવે વાઇરસ સુસ્થાપિત થઇ ગયો છે અને મહામારી હવે મોટાભાગના દેશોમાં પરાકાાએ પહોંચી રહી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ ટેડરોસ અધાનોમ ઘેબ્રિયેસસે જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ ધરાવતાં દર્દીઓની સંખ્યાને એક મિલિયન પહોંચતા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો. પણ તાજેતરના એક મિલિયન કેસની સંખ્યા માત્ર આઠ દિવસમાં જ
નોંધાઇ છે. દુબઇમાં યોજાયેલી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આજે આપણી સામે સૌથી મોટું જોખમ વાઇરસ નથી પણ દુનિયામાં બંધુત્વ અને વિશ્વ કક્ષાની નેતાગીરીનો અભાવ એ છે. પશ્ચિમ યુરોપમાં કોરોનાના ચેપનું પ્રમાણ ઘટયું છે પણ મોટા દેશોએ તેમના નિયંત્રણો હળવાં કરવાને પગલે દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે.
દરમ્યાન યુકેમાં વડા પ્રધાન બોરીસ જ્હોન્સને ચોથી જુલાઇએ અમુક અપવાદને બાદ કરતાં તમામ પ્રવૃત્તિઓ પરથી નિયંત્રણો હટાવી લેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેને પગલે લોકોને ફરી સિનેમા, સંગ્રહ સ્થાનો અને બાર-પબ-રેસ્ટોરામાં જવાનો લાભ મળશે. જો કે વડા પ્રધાને ઉમેર્યું હતું કે વાઇરસ નાબૂદ થયો નથી.
ચેપનું પ્રમાણ વધશે તો અમે રાષ્ટ્રીય સ્તરે પણ ફરી નિયંત્રણો લાદતાં અચકાઇશું નહીં. હવે થિયેટર્સ અને હેરડ્રેસર્સને કામ કરવાની છૂટ આપવામાં આવી છે. જાહેરમાં બે મીટરનું અંતર જાળવવાના નિયમમાં પણ ચોથી જુલાઇથી છૂટ આપીને જ્યાં શક્ય ન હોય ત્યાં એક મીટર કરવામાં આવશે.
જો કે, નાઇટ કલબ, સ્પા અને ઇન્ડોર જિમ તથા સ્વિમિંગ પુલને ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કોર્ટ અને સરકારી ઓફિસોમાં પણ ફેસ ટુ ફેસ કામ શરૂ કરવામાં આવશે તથા લગ્ન કરવાની પણ છૂટ આપવામાં આવશે.