ગુજરાતમાં સતત 10માં દિવસે 500થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 563 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને હવે 27880 થઇ ગયો છે. આ પૈકી એક્ટિવ કેસ 6278 છે. છેલ્લા 24 કલાકમાં કુલ 21 સાથે કોરોનાથી હવે કુલ મૃત્યુઆંક 1684 થઇ ગયો છે. ગુજરાતમાં જૂનના 22 દિવસમાં જ કોરોનાના કુલ કેસનો આંક 11067 થયો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 25 જિલ્લાઓમાંથી કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં રવિવારની સરખામણી કોરોનાના કેસમાં 15 ટકાનો વધારો થયો હતો. અમદાવાદમાં વધુ 314 સાથે કોરોનાના કુલ કેસનો આંક 19 હજારને પાર થઇને 19151 થયો હતો. આમ, અમદાવાદમાં દર ત્રીજા દિવસે 1 હજારથી વધુ કેસ નોંધાવવાનો ક્રમ યથાવત્ રહ્યો છે.
19 હજારથી વધુ કેસ નોંધાયા હોય તેવો અમદાવાદ દેશનો ચોથો જિલ્લો છે. અગાઉ મુંબઇ, થાણે, ચેન્નાઇમાં 19 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં એક્ટિવ કેસ હાલમાં 3790 છે. સુરતમાં સતત ત્રીજા દિવસે 100થી વધુ કેસ નોંધાતા હવે નવા 132 કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 3365 થઇ ગયો છે.
સુરતમાં હાલ એક્ટિવ કેસ 853 છે. છેલ્લા 24 કલાકમાં અન્ય જિલ્લાઓમાં જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 44 સાથે વડોદરા, 10 સાથે જામનગર, 7-7 સાથે ગાંધીનગર-જુનાગઢ-નર્મદા, 6 સાથે આણંદનો સમાવેશ થાય છે. કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં અમદાવાદ, સુરત બાદ વડોદરા 1898 સાથે ત્રીજા, ગાંધીનગર 570 સાથે ચોથા, મહેસાણા 215 સાથે પાંચમાં, ભાવનગર 200 સાથે છઠ્ઠા સૃથાને છે.
ગુજરાતમાં હાલ 67 દર્દીઓ વેન્ટિલેટર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 16, સુરતમાંથી પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં હવે કુલ મૃત્યુઆંક 1348, સુરતમાં 128 થયો છે. દેશના જે જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મુંબઇ બાદ અમદાવાદ બીજા સૃથાને છે.
ગુજરાતમાં અત્યારસુધી કુલ ટેસ્ટની સંખ્યા 3,29,343 થઇ છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 2,24,139 વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 560 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 401, સુરતમાંથી 63, વડોદરામાંથી 51, મહેસાણામાંથી 8નો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાંથી કોરોનાને પરાસ્ત કરનારા દર્દીઓની સંખ્યા 19917 થઇ છે.