કોરોના રોગચાળા વચ્ચે આ વર્ષે સાઉદી અરેબિયામાં હજ યાત્રા નીકળશે, પરંતુ તેના નિયમો બદલવામાં આવ્યા છે. આ વખતે ફક્ત સાઉદીમાં રહેતા લોકો જ મુસાફરી કરી શકશે. વિદેશી લોકોને હજયાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મીડિયા અહેવાલો અનુસાર, આ વખતે મર્યાદિત સંખ્યામાં લોકોને હજ કરવાની છૂટ આપવામાં આવશે. ગયા વર્ષે આશરે 25 લાખ લોકોએ હજયાત્રા કરી હતી. સાઉદી અધિકારીઓએ કહ્યું કે આ નિર્ણય સોશિયલ ડિસ્ટન્સના નિયમોને કારણે લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, એક અંદાજ મુજબ આ વર્ષે 20 લાખથી વધુ લોકો મક્કા અને મદીના હજ માટે આવશે.
જોકે, રોગચાળાને ધ્યાનમાં રાખીને, એવું માનવામાં આવતું હતું કે આ વર્ષે હજને સંપૂર્ણપણે રદ થઇ શકે છે. મુસ્લિમ સમુદાયમાં હજ યાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હજ બાબતોના પ્રધાન મોહમ્મદ સાલેહ બેંતેને એપ્રિલમાં કહ્યું હતું કે, હજ યાત્રિકોએ ટિકિટ બુકિંગમાં ઉતાવળ ન કરવી જોઈએ.
ફેબ્રુઆરીમાં ઉમરાને પણ બંધ કરવામાં આવી હતી. સાઉદીના હજ મંત્રાલયે જણાવ્યું હતું કે, વધી રહેલા રોગચાળા અને આવનારી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સંક્રમણને અટકાવી શકાય. જે લોકો મુસાફરી કરે છે તેમની સંપૂર્ણ સલામતીનું ધ્યાન રાખવામાં આવશે.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા અંગે પણ સુચનાઓ જારી કરવામાં આવી છે. હજ કમિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે લગભગ 1.75 લાખ મુસ્લિમ યાત્રાળુઓએ હજ જવા માટે મંજુરી મેળવી હતી. આમાંથી 1.25 લાખ લોકોએ હજ કમિટી મારફત રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જયારે અન્ય 50 હજાર લોકોએ પ્રાઈવેટ ટુર ઓપરેટર પાસે બુકિંગ કરાવ્યું છે.
ભારતમાંથી હજયાત્રીઓ 25 જુને રવાના થવાના હતા. સાઉદી અરેબિયામાં કોરોનાના અત્યાર સુધીમાં 1.61 લાખ કેસ નોંધાયા છે. તેમાંથી 1.05 લાખથી વધુનો ઇલાજ કરવામાં આવ્યો છે અને 1,307 લોકો મૃત્યુ પામ્યા છે. ગયા અઠવાડિયામાં જ લોકડાઉન પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી છે.