મંગળ ગ્રહ પર સજીવના સંકેતો શોધવા માટે અને ભાવિ સંશોધકો માટે ઓક્સિજન બનાવવાનું શરૂ કરવા માટે નાસા આશા રાખી રહ્યું છે. આ માટે $2.7 બિલીયનના ખર્ચે લેસરથી સજ્જ એક હેલિકોપ્ટર અને રોવર મિશન માટે તૈયાર કરવામાં આવ્યા છે. જે મંગળ પર પ્રાચીન જીવનના પુરાવા શોધશે અને ત્યાં માનવ અસ્તિત્વ માટે પાયો નાખશે.
આવતા મહિને રોબોટિક સિક્સ વ્હિલર, જેને ‘પર્સિવરન્સ’ નામ આપવામાં આવ્યું છે તેને ફ્લોરિડાથી લોન્ચ કરવામાં આવશે. નાસાએ “બીજા ગ્રહ પરની પ્રથમ રાઉન્ડ ટ્રીપ મિશન” તરીકે વર્ણવેલ આ મિશનમાં તે મંગળના ખડકો અને માટીના નમુનાઓ એકત્રિત કરશે અને તેને ધરતી પર પરત લાવવામાં આવશે. તેની સાથે ઇન્જેન્યુટી નામનું એક મિનિ-હેલિકોપ્ટર હશે. નાસાને આશા છે કે તે બીજી દુનિયા પર ઉડાનારું પ્રથમ સંચાલિત વિમાન બનશે.
નાસાના ડાયરેક્ટર ઓફ પ્લેનેટરી, લોરી ગ્લેઝે જણાવ્યું હતું કે, “લાલ રંગના ગ્રહ પર મોકલવામાં આવનાર આ ખૂબ જ અદ્યતન મિશન છે. મંગળના નમૂનાઓ થકી પૃથ્વી પર અને સૌરમંડળમાં જીવનની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને વિતરણ વિશેની અમારી સમજને ગહનરૂપે બદલે તેવી સંભાવના છે.
આ મિશનનુ લોન્ચિંગ 20 જુલાઇએ કેનેડી સ્પેસ સેન્ટરથી થવાનું છે. ફેબ્રુઆરીમાં મંગળ પર પહોંચ્યા પછી, રોવરને જીવન માટેના તત્વોથી સમૃદ્ધ ડેલ્ટાની સાઇટ જેઝેરો ક્રેટરમાં મોકલવામાં આવશે. તે રોવરમાં બે લેઝર, 23 કેમેરા અને ગ્રહના ભૂસ્તરશાસ્ત્ર અને આબોહવા વિશેની સમજને આગળ વધારવા અને જીવનના સંભવિત બાયો-સીગ્નેચર મેળવવા માટે રડાર પણ હશે.