ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 580 કેસ સાથે ‘કોરોના વિસ્ફોટ’ થયો છે. એક દિવસના ગાળામાં ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક 27317 થઇ ગયો છે. હવે ચિંતાજનક રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં રેકોર્ડ 176 કેસ નોંધાયા હતા. સુરતમાં આ એક દિવસના ગાળામાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસનો રેકોર્ડ છે. બીજી તરફ અમદાવાદમાં 273 કેસ સાથે 29 મે બાદ સૌથી ઓછા કેસ નોંધાયા હતા.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 23 જિલ્લાઓમાં કોરોના નવા કેસ સામે આવ્યા છે. કુલ 580 કેસમાંથી અમદાવાદમાં 50 ટકાથી પણ ઓછા કેસ હોય તેવું સંભવતઃ સૌપ્રથમવાર બન્યું છે. અમદાવાદમાં હવે કોરોનાના કુલ કેસનો આંક 18837થઇ ગયો છે. આમ, અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 19 હજારની નજીક છે. અમદાવાદમાં હાલ એક્ટિવ કેસ 3893 છે.
બીજી તરફ અનલોક-1 બાદ સુરતમા કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. સતત બીજા દિવસે 100થી કેસ નોંધાતા હવે રેકોર્ડ બ્રેક 176 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 3233 થઇ ગયો છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં 41 સાથે વડોદરા, 15 સાથે ગાંધીનગર, 10 સાથે ભરૃચ, 9 સાથે અરવલ્લીનો સમાવેશ થાય છે. આમ, વડોદરમાં હવે કોરોનાના કુલ કેસનો આંક 1854, ગાંધીનગરમાં 563, મહેસાણામાં 211, ભાવનગરમાં 197, રાજકોટમાં 185 છે.
ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 6296 છે અને તેમાંથી 59 વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં 25 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 20, સુરતમાંથી 3, અરવલ્લી-છોટા ઉદેપુરમાંથી 1-1 ના મોતનો સમાવેશ થાય છે.
આમ, કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે 1664 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ૬૫૫ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરવામાં સફળતા મેળવી છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 427, સુરતમાંથી 131, વડોદરામાંથી 40, ગાંધીનગરમાંથી 15નો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં હવે કોરોનાથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા હવે 19357 થઇ ગઇ છે.