ભારતમાં કોરોનાનો કોપ યથાવત છે અને તે હળવો થતો નથી ત્યારે સૌથી વધુ મૃત્યુદર અમદાવાદમાં છે. સૌથી વધુ પોઝીટીવ કેસ મુંબઈમાં થાય છે છતાં છેલ્લા પખવાડીયામાં સૌથી વધુ કોરોના વિસ્ફોટ બેંગ્લોર, ચેન્નઈ તથા દિલ્હીમાં છે. નવમાંથી છ મહાનગરોમાં પોઝીટીવ દર્દીઓમાં મોતની ટકાવારીમાં ચિંતાજનક વૃદ્ધિ થઈ રહી છે.
દર 100 પોઝીટીવ કેસમાંથી મૃત્યુદરની દ્દષ્ટિએ દિલ્હી, મુંબઈ તથા ચેન્નઈમાં વધારો ચિંતાજનક બન્યો છે. જો કે, પ્રતિ દસ લાખની વસતીએ સૌથી વધુ મોત અમદાવાદમાં થઈ રહ્યા છે. મુંબઈ બીજા ક્રમે છે. કોલકતા તથા બેંગ્લોર પણ ટોપ-ફાઈવમાં આવે છે. સૌથી ઓછો મૃત્યુદર હૈદરાબાદમાં છે. કોરોનાનો રાષ્ટ્રીય સ્તરે મૃત્યુદર 3.3 ટકા છે. જયારે ચેન્નઈમાં 1.3 ટકા છે.
દેશના નવ મોટા શહેરોના કોરોના કેસ તથા મોતના આંકડાકીય વિષ્લેષણથી એવુ માલુમ પડે છે કે છેલ્લા પખવાડીયામાં નવા કેસ તથા મોતની સંખ્યામાં વધારો થયો છે. મુંબઈ, દિલ્હી તથા ચેન્નઈએ જુના મોત ઉમેરતા સંખ્યા વધી છે. બીજી તરફ કોલકતા, હૈદ્રાબાદ તથા સુરતમાં નવા કેસોની સંખ્યા ઝડપથી વધવા લાગી હોવાનું માલુમ પડી રહ્યું છે.
છેલ્લા પખવાડીયામાં બેંગ્લોરમાં કોરોનાથી મૃત્યુદર વધ્યો છે. બેંગ્લોરમાં અત્યાર સુધી મહામારી કાબુમાં હતી. પરંતુ હવે મૃત્યુદર 5.2 ટકાએ પહોંચી ગયો છે. હૈદરાબાદમાં નવા કેસોની સંખ્યા ઝડપથી વધી છે. પરંતુ મોત પ્રમાણમાં ઓછા છે. ભારતમાં છેલ્લા બે સપ્તાહમાં કોરોના કેસમાં 1.5 લાખનો વધારો થયો છે. દૈનિક વૃદ્ધિદર 3.8 ટકા છે. ઉપરોક્ત નવ શહેરોમાં જ સૌથી વધુ વૃદ્ધિદર છે.