કોરોનાના કોહરામ વચ્ચે લોકડાઉન પછી વિશ્વની અર્થવ્યસ્થા ડચકાં ખાઈ રહ્યું છે ત્યારે ભારત માટે સારા સમાચાર એ છે કે દેશની વિદેશી હૂંડિયામણની અનામતો(ફોરેક્સ રિઝર્વ) પહેલીવાર અડધો ટ્રિલિયનને પાર ગઈ છે. ફોરેક્સ રિઝર્વમાં ભારતે નવો ઈતિહાસ રચ્યો હતો. ફોરેક્સ રિઝર્વને મામલે ભારત હવે ચીન અને જાપાન પછી સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ધરાવતો ત્રીજો દેશ બન્યો હતો.
આરબીઆઈનાં આંકડા મુજબ ૫ જૂનનાં રોજ પૂરા થયેલા અઠવાડિયે ફોરેક્સ રિઝર્વમાં ૮.૨૨ બિલિયન ડોલરનો નોંધપાત્ર વધારો થયો હતો. જેને કારણે દેશની વિદેશી હૂંડિયામણની અનામતો વધીને ૫૦૧. ૭૦ બિલિયન ડોલરે પહોંચી હતી. ફોરેન કરન્સી એસેટ્સમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ૨૯ મેનાં રોજ પૂરા થયેલા અઠવાડીયે ફોરેક્સ રિઝર્વમાં ૩.૪૪ બિલિયન ડોલરનો વધારો થયો હતો અને વિદેશી હૂંડિયામણની અનામતો ૪૯૩.૪૮ બિલિયન ડોલર હતી.
ફોરેન કરન્સી એસેટ્સનો ફોરેક્સ રિઝર્વમાં મોટો હિસ્સો છે જે ૫ જૂનનાં અંતે ૮.૪૨ બિલિયન ડોલર વધીને ૪૬૩.૬૩ બિલિયન ડોલર થયું હતું. ૩૦ વર્ષ પહેલા ભારત પાસે ફોરેક્સ રિઝર્વ ઝીરો થઈ ગયું હતું અને વિશ્વ બેન્ક સમક્ષ સોનું ગિરવે મુકીને ભારતે હૂંડિયામણ મેળવવું પડયું હતું.
સમીક્ષા હેઠળનાં ગાળામાં ગોલ્ડ રિઝર્વ ૩૨૯ મિલિયન ડોલર ઘટીને ૩૨.૩૫૨ બિલિયન ડોલર હતું. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં સરકારનાં સ્પેશ્યલ ડ્રોવિંગ રાઈટ્સ ૧૦ મિલિયન ડોલર વધીને ૧.૪૪ બિલિયન ડોલર થયા હતા. IMFમાં દેશની રિઝર્વ પોઝીશન ૧૨૦ મિલિયન ડોલર વધીને ૪.૨૮ બિલિયન ડોલર હતી.