‘એમ એસ ધોની’ અને ‘છીછોરે’ ફેમ સુશાંત સિંહ રાજપૂતે રવિવારે બાંદ્રા ખાતેના તેના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. તેનું આમ અચાનક અકાળે અવસાન થવાથી બોલીવૂડ, તેના પરિવારજનો અને પ્રશંસકોને સખત આઘાત લાગ્યો છે અને શોકમાં ડૂબી ગયા છે.
દરેકને એક જ સવાલ સતાવી રહ્યો છે કે માત્ર ૩૪ વર્ષની વયે સુશાંતે આ પ્રકારનું ગંભીર પગલું લેવાની શા માટે જરૂર પડી? સુશાંત છેલ્લે ગયા વર્ષે નિતેષ તિવારીની ફિલ્મ ‘છીછોરે’માં જોવા મળ્યો હતો. નવેમ્બરમાં મુંબઈમાં સુશાંતના લગ્ન થવાના હતા તેમ તેના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું. તેના પિતા મુંબઈ આવવા રવાના થઈ ગયા છે અને સોમવારે મુંબઈમાં તેના અંતિમ સંસ્કાર થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પટનાથી આવેલા સુશાંતે ટેલિવિઝન અને પછી ફિલ્મ ઉદ્યોગમાં નામના મેળવી હતી. તે પરિવારમાં સૌથી નાનો હતો. તેના અચાનક નિધનથી પિતા અને ચાર મોટી બહેનો આઘાતમાં સરી પડી હતી. તેની માતાનું ઘણા સમય પહેલાં નિધન થઈ ગયું હતું. સુશાંત રવિવારે બાંદ્રા ખાતે તેના નિવાસસ્થાને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ તેમ વેસ્ટર્ન રિજનના અધિક પોલીસ કમિશનર મનોજ શર્માએ જણાવ્યું હતું. બાંદ્રા પોલીસ પ્રાથમિક માહિતીના આધારે અકસ્માતે મોતનો રિપોર્ટ નોંધશે.
મુંબઇ પોલીસે તેની બોડીનો કબજો લીધો હતો અને અંધેરીની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ માટે લઇ જવામાં આવ્યો હતો. તેના આધાર અને પેનકાર્ડમાં સુશાંત અને સુશાંત સિંહ રાજપૂત એમ બે જુદા જુદા નામ હોવાથી પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં અડચણ ઊભી થઇ હતી. પોલીસને સુશાંતના ઘરમાંથી કોઇ સુસાઇડ નોટ મળી નહોતી. તેથી આ મામલાનો ઉકેલ લાવવાનું થોડુ તકલીફદાયક બને તેવી શક્યતા છે.છેલ્લા સમચાર મુજબ સુશાંતનું પોસ્ટપોર્ટમ રવિવારના થઇ શકે એમ ન હોવાથી સોમવારે કરવામાં આવશે.
સુશાંત સફળ અભિનેતા હોવા છતાં તેણે આત્મહત્યા શા કારણે કરી તે એક પ્રશ્રાર્થ થઇ ગયો છે. સુશાંતની ૨૮ વર્ષીય ભૂતપૂર્વ મેનેજરદિશા સલાણીએ ૯મી જૂને એક હાઈરાઈઝ ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી તેનું જીવન ટુંકાવ્યું હતું. આ સમાચારના થોડાક જ દિવસમાં સુશાંતનું પણ આકસ્મિક મોત નીપજ્યું છે.
સુશાંતના પિતાએ ટેલિવિઝન મારફત પુત્રના આત્મહત્યાના સમાચાર સાંભળતા તે બેભાન થઈ ગયા હતા. સુશાંત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનની સારવાર હેઠળ હતો અને તે હાઇપરટેન્શન અને ડિપ્રેશનની દવાઓ લેતો હતો. પરંતુ એક વાત એવી પણ છે કે, તે દવાઓ સમયસર અને નિયમિત લેતો નહોતો. બીજી એક વાત એવી પણ છે કે તેના પરિવારમાં કોઇ સમસ્યા ઉદભવી હતી થોડા મહિનાઓ પહેલાં તેની મોટી બહેન તેની સાથે રહેવા આવી હતી.
એ ગઇ પછી તેના પિતા પણ આવવાના હતા પરંતુ લોકડાઉનને કારણે આવી શક્યા નહીં. પોલીસે તેના બેન્ક સ્ટેટેમેન્ટ પણ મંગાવ્યા છે, પરંતુ રવિવાર હોવાથી તે મળી શક્યા નથી. આના પરથી તે આર્થિક તંગી અનુભવતો હતો કે અન્ય કોઇ સમસ્યા હતી તેની તપાસ કરશે.
સુશાંત બાંદરાના ઘરમાં રહેતો હતો. જે સી-ફેસ ધરાવતો ફ્લેટહતો. તે આ ઘરમાં છ મહિના પહેલા જ શિફ્ટ થયો હતો. તેના આ ઘરનું ભાડુ તે ચાર લાખથી પણ વધુ ભરતો હતો. આ ઘરના ભાડાના કરાર તેના ૯-૧૨-૨૦૨૨ સુધી હતા અને તેણે ૧૨ લાખ રૂપિયા ડિપોઝિટ આપી હતી. આ એક ડુપલેક્સ ફ્લેટ હતો જેમાં તે ઉપરના મજલે રહેતો હતો. નીચેના મજલે એક આર્ટ ડાયરેકટર રહેતો હતો.
સુશાંતે ટચૂકડા પડદે ‘પવિત્ર રિસ્તા’ અને રૂપેરી પડદે ‘એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’થી લોકપ્રિયતા મેળવી હતી. તેણે તેની ફિલ્મની આઠ વરસની કારકિર્દીમાં ૧૧ ફિલ્મો કરી હતી અને ૧૨મી હજી રિલીઝ થવાની બાકી છે. જેનું પોસ્ટ પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. સુશાંતે ચાર સિરિયલો અને એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. સુશાંતના નામ અંકિતા લોખંડે અને ક્રિતિ સેનોન સાથે જોડાયા હતા. આમ પણ તેના પ્રેમ પ્રકરણો ઘણા હતા.
સુશાંત સાથે આ ઘરમાં ચાર વ્યક્તિઓ રહેતી હતી. જેમાં તેના બે રસોયા, એક નોકર અને એક હાઉસકિપિંગમેનેજર હતો. તેના નોકરે જણાવ્યું હતું કે, સુશાંત સવારે ૬.૩૦ના ઊઠયો હતો. તે સવારે ૧૦ વાગ્યે રૂમમાંથી બહાર આવ્યો હતો. નોકરે તેને દાડમનો જ્યુસ આપ્યો હતો જે ગ્લાસ લઇને તે પોતાના રૂમમાં જતો રહ્યો હતો. ૧૧.૩૦ વાગ્યે નોકરે તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સુશાંતે ક્યાંય સુધી દરવાજો ન ખોલતા.
ચાવી વાળાને બોલીને દરવાજો ખોલાવ્યો હતો. દરવાજો ખોલતાં જ સુશાંતને જોઇને ત્યાં હાજર રહેલા લોકો હેબતાઇ ગયા હતા. તેણે પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઇ લીધો હતો. તેણે ગરદન ફરતે એક લાંબુ ચાદર જેવું કપડુ વિંટાળીને ફાંસો ખાધો હતો. એકવાત એવી પણ છે કે આગલી રાતના સુશાંતને ત્યાં તેના ચાર મિત્રો આવ્યા હતા.