વેસ્ટ લંડનના ફેલ્ધામમાં રહેતી 32 વર્ષની વયની એક્સ પાર્ટનર સલમા શેખ અને પોતાના 11 મહિનાના બાળકને અન્ય ત્રણ બાળકોની સામે ચાકુ મારી ગંભાર ઇજા કરનાર મૂળ પાકિસ્તાનના વતની રેહાન ખાનને (ઉ.વ. 27) આજીવન કેદની સજા કરવામાં આવી હતી. પાછળથી મિસ શેખનું અકસ્માતે ઇજાઓ માટેની દવાઓનો ઓવરડોઝ લેવાના કારણે મૃત્યુ થયું હતું.
હિંસક રેહાન ખાન તે સમયે અગાઉના હુમલાના ગુના બદલ જામીન પર હતો અને સજાની રાહ જોતો હતો. જે માટે સલમાનના ઘરે આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પીટરબરો ક્રાઉન કોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં જણાવવામાં આવ્યું હતું કે ખાને પોતાના દીકરાને ત્રણ વખત છરી મારી હતી અને સલમા શેખે બચાવ કરવાનો પ્રયાસ કરતા તેને માથા, ખભા અને પીઠ સહિત છરીના 5 ઘા કર્યા હતા.
આ હુમલા પછી, તેના બાળકો તેનાથી છીનવી લેવામાં આવ્યા હતા અને તે કામ કરી શકતી ન હોવાથી તેને ઘર ગુમાવવું પડ્યું હતું અને તે મહિલાઓના આશ્રય સ્થાનમાં રહેતી હતી. તે લાંબી પીડાને લીધે મોર્ફિન પર હતી. ગત સપ્ટેમ્બરમાં કંટ્રોલ ડ્રગનો આકસ્માતે ઓવરડોઝ લઇ લેતા તેને કાર્ડીયાક એરેસ્ટ આવતા મગજની ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું.
વકીલ ફેલિસિયા ડેવીએ કોર્ટને જણાવ્યું હતું કે, “જૂન 2018માં થયેલા હુમલાના દિવસે તેણે 270 વાર સલમા શેખનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પાછલા સંબંધથી થયેલા ત્રણ બાળકોને સ્કુલેથી લઇને સલમા ઘરમાં આવી ત્યારે રેહાને પણ ઘરમાં પ્રવેશ કરી દરવાજો લૉક કરી દીધો હતો. તેણે છરી બતાવી પાકિસ્તાનમાં પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરાવી પોતાને બીજી તક આપવા જણાવ્યું હતુ. સલમાએ રેહાનને તેના કુટુંબ સાથે જૂઠુ બોલવાનું બંધ કરવા કહ્યું હતુ.”
સલમાએ ફોન નહિં ઉપાડતા તેના સબંધીએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. ખાને પોલીસને જોતા ઘરના પાછળના ભાગેથી ભાગી છુટ્યો હતો. બાળકને એરલિફ્ટ કરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જ્યારે સલમા શેખને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ખાન 6 જૂને તેના વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગયા વર્ષે મે મહિનામાં સુનિશ્ચિત સુનાવણી પહેલાં તેણે મિસ શેખ અને તેમના શિશુ પુત્રની હત્યાના પ્રયાસનો સ્વીકાર કર્યો હતો. ન્યાયાધીશ સીન એનરાઇટે રેહાનને ઓછામાં ઓછા 32 વર્ષની સજા સંભળાવી હતી અને લાયસન્સ પર છોડવાની વિચારણા કરવામાં આવે તે પહેલાં ઓછામાં ઓછી 16 વર્ષની જેલની સજા કાપવી પડશે એવો આદેશ આપ્યો હતો.