ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા દ્વારા એસાયલમ માટે કરવામાં આવેલી કોઈપણ વિનંતી પર વિચારણા નહિં કરવા ભારતે યુકે સરકારને વિનંતી કરી છે. ભારતે જણાવ્યું છે કે ભારતમાં દમન માટે કોઈ કારણ નથી. ગયા અઠવાડિયે, યુકે સરકારે સંકેત આપ્યો હતો કે માલ્યાને કાનૂની મુદ્દો હોવાથી જલ્દીથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તેવી કોઇ સંભાવના નથી. તેના પ્રત્યાર્પણ પહેલા અમુક બાબતોનું સમાધાન કરવાની જરૂર છે.
ભારતના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ઑનલાઇન મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “અમે વિજય માલ્યાના વહેલા પ્રત્યાર્પણ માટે યુકે સરકાર સાથે સંપર્કમાં છીએ. અમે યુકે સરકારને વિનંતી કરી છે કે તેના દ્વારા એસાયલમ માટે વિનંતી કરવામાં આવે તો તેને ધ્યાનમાં ન લે.”
માલ્યાએ યુકેમાં માનવાધિકાર અંગેના યુરોપિયન કન્વેન્શનના આર્ટિકલ 3 હેઠળ એસાયલમ માંગ્યુ હોવાનું માનવામાં આવે છે, જે “અમાનવીય અથવા અપમાનજનક વર્તન અથવા સજા” પર પ્રતિબંધ ફરમાવે છે.
માલ્યાના વકીલ, બુટિક લૉના આનંદ દુબે તેમ જ પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાનું પ્રતિનિધિત્વ કરનાર ક્લેર મોન્ટગોમરી ક્યુસીએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. યુકે હોમ ઑફિસના પ્રવક્તાએ કહ્યું હતું કે “વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ 3 ફેબ્રુઆરી, 2019ના રોજ આપવામાં આવ્યો હતો તેથી ચાલી રહેલા કાનૂની મામલામાં આગળ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં.”
યુકેની સુપ્રીમ કોર્ટમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ વિજય માલ્યાએ કરેલી અપીલને થોડા અઠવાડિયા પહેલા જ નકારી કાઢવામાં આવી હતી. જેથી યુકેમાં ટકી રહેવાનો કોઈ કાનૂની ઉપાય તેની પાસે રહ્યો ન હતો. આ અગાઉ ભારતમાં પ્રત્યાર્પણ કરવાના હુકમ સામે એપ્રિલમાં તેણે હાઈકોર્ટની અપીલ ગુમાવ્યાના અઠવાડિયા પછી યુકેની ટોચની અદાલતે પણ તેની અરજી કાઢી નાંખતા 64 વર્ષીય ઉદ્યોગપતિને મોટો ઝટકો લાગ્યો હતો. પ્રત્યાર્પણના કાગળો પર હસ્તાક્ષર કરીને યુકેના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ તેને ભારત ધકેલી શકે છે.
માલ્યાએ ભારતીય બેંકોના કન્સોર્ટિયમમાંથી 9,000 કરોડની (£1 બિલીયન) છેતરપિંડી કરી હતી. માલ્યા માર્ચ 2016થી યુકેમાં છે અને 8, એપ્રિલ, 2017ના રોજ સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા તેની ધરપકડ કરાયા બાદ ત્રણ વર્ષથી જામીન પર છે. તે હાલમાં ટેવિન, હર્ટફોર્ડશાયરમાં £11.5 મિલિયનના મેન્શનમાં રહે છે.