વોશિંગ્ટનમાં કેટલાક તોફાની તત્ત્વોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પહોંચેલા નુકશાન બદલ ભારતમાં અમેરિકાના એમ્બેસેડર કેન જસ્ટરે માફી માગી છે. કેન જસ્ટરે માફી માગતા કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે થયેલા દુર્વ્યવહારની ઘટના બદલ અમે શરમજનક છે. આ માટે હું માફી માગું છું. પ્રાપ્ત જાણકારી પ્રમાણે યૂનાઈટેડ સ્ટેટસ પાર્ક પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. મેટ્રોપોલિટન પોલીસના અધિકારીઓની ટીમે બુધવારના રોજ ઘટનાસ્થળની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં તપાસ હાથ ધરી હતી. પ્રતિમાને વહેલી તરે સાફ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં કથિત રીતે #blacklivesmatter પ્રદર્શનમાં જોડાયેલા કેટલાક ઉત્પાતી લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકશાન પહોંચાડ્યું છે. અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત બાદ મોટા પ્રમાણમાં લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર નિકળી આવ્યા છે. અનેક જગ્યાઓએ આ વિરોધ પ્રદર્શને ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.
અમેરિકાના અનેક શહેરોમાં આંદોલનકારો દ્વારા લૂટફાંટ કરવામાં આવી રહી છે. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે ટિયર ગેસ અને રબર બૂલેટનો ઉપયોગ કરવો પડ્યો હતો. ગાંધીજીની પ્રતિામા પર ગ્રાફિટી અને સ્પેરથી તેને ક્ષતી પહોંચાડવામાં આવી હતી. આ બાબતે અમેરિકામાં આવેલ દૂતાવાસે ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આ ઘટના 2 અથવા 3 જૂન વચ્ચેની છે. પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને ટીખળખોરોને ઝડપી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે વોશિંગ્ટનમાં મહાત્મા ગાંધીની આ પ્રતિમાનું ઉદ્ઘાટન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના હસ્તે અમેરિકાની 16 ડિસેમ્બર 2000ની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. આ પ્રતિમાનું ઉદ્ઘાટન અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ભારતીય દૂતાવાસની વેબસાઈનટના જણાવ્યા અનુસાર મહાત્મા ગાંધીની આ આઠ ફૂટ આઠ ઈંચ ઉંચી પ્રતિમા કાંસામાંથી બનાવવામાં આવી છે.
વોશિંગ્ટનમાં ગાંધીજીની પ્રતિમા પુનઃ સજાવટની ઓવરસીઝ કોંગ્રેસની ઓફર
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસે વોશિંગ્ટન ડીસીમાં દેખાવો દરમિયાન ખંડિત કરાયેલા મહાત્મા ગાંધીની પ્રતિમાની પુનઃ સજાવટ માટે નાણા ચૂકવવા અમેરિકન સરકારને ઓફર કરી છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વોશિંગ્ટન ચેપ્ટરના પ્રમુખ જોન્સન માયલીલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી જેવા શાંતિ અને એખલાસના પ્રખર હિમાયતીની પ્રતીમાની ભાંગફોડ કે દુર્દશા દુઃખદ છે. મહાત્મા અને તેમના ઉપદેશો ઉપર વિશ્વમાં કયાંય પણ હુમલો થાય તો એ વખોડવાપાત્ર છે. માયલીલે નેશનલ પાર્ક સર્વિસના કાર્યકારી ડાયરેક્ટર ડેવિડ વેલાને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ નજીક મહાત્માની પ્રતીમાની પુનઃ સજાવટનો ખર્ચ ઓવરસીઝ કોંગ્રેસ ઉઠાવશે. ભૂતપૂર્વ પ્રમુખ ક્લિન્ટન અને ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીએ ર૦૦૦માં વિમોચન કર્યું હતું તે પ્રતીમાની જાળવણીની જવાબદારી નેશનલ પાર્ક સર્વિસ નિભાવે છે. ૧૯૯૮માં યુએસ કોંગ્રેસે પસાર કરેલા બિલમાં સરકારી જમીન ઉપર મહાત્માનું સ્ટેચ્યુ ઉભું કરવાની મંજૂરી અપાયા બાદ શિલ્પી ગૌતમ પાલે ર.૬ મીટર ઉંચું સ્ટેચ્યુ બનાવ્યું હતું.
ર૮મી મે એ અમેરિકામાં દેખાવો દરમિયાન ગાંધીજીના સ્ટેચ્યુની કરાયેલી દુર્દશા માટે ભારત ખાતેના અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટરે માફી માંગી હતી.