હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝ મિશન ઇમ્પોસિબલ -7 ફિલ્મની કાસ્ટ અને ક્રૂ માટે એક ગામડું બનાવવા ઈચ્છે છે જ્યાં કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ ન હોય. ટોમ ક્રુઝ આ જ ગામમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા ઈચ્છે છે જેથી કાસ્ટ અને અને ક્રૂ સંક્રમણના ભયથી મુક્ત થઈને કામ કરી શકે.
બ્રિટિશ વેબસાઈટ ધ સનના રિપોર્ટ મુજબ, ઓક્સફોર્ડશાયરમાં ટોમ ક્રુઝે એક ખાલી જગ્યા પર ગામડું વિકસાવવાની યોજના બનાવી છે. રિપોર્ટ મુજબ, ફિલ્મના કલાકાર અને પ્રોડ્યુસર અહીંયા વીઆઈપી ટ્રેલરમાં રહેશે જેથી સંક્રમણથી બચી શકે.
એક સૂત્રએ વેબસાઈટને જણાવ્યું કે કોરોના વાઇરસ સંક્રમણને કારણે પહેલેથી જ શૂટિંગમાં ઘણો વિલંબ થયો છે. ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર એવું માને છે કે હાલ ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા પણ નથી. આવામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરક્ષિત રીતે ફિલ્મનું શૂટિંગ વહેલીતકે પૂરું કરવાનો કોઈ વિકલ્પ શોધવામાં આવે. આ સિવાય અત્યારે હોટલમાં રૂમનું બુકીંગ પણ મુશ્કેલ છે કારણકે સંક્રમણને કારણે તેને બંધ રાખવામાં આવ્યા છે.