કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનમાં મસમોટી રાહતો સાથે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં માનવ જીવન થોડા અંશે ધબકતું થયું છે. ત્યારે લોકડાઉનમાં સારી એવી છુટછાટ અપાઈ હોવા છતાંય દેશભરમાં એક તૃત્તિયાંશ એટલે કે 33 ટકાથી વધુ સ્વ રોજગાર એકમો અને નાના તેમજ મધ્યમકક્ષાના ઉદ્યોગો તાળા ખોલીને વ્યાપાર શરૂ કરવાની સ્થિતિમાં રહ્યા નથી. એટલું જ નહીં લગભગ કાયમી ધોરણે બંધ રાખવાની નાજુક સ્થિતિમાં પહોંચી ગયા છે.
દેશના નવ ઔદ્યોગિક એકમોની સાથે મળીને ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચર્સ એસોસીએશન(AIMO) દ્વારા તાજેતરમાં એક સર્વે કરાયો હતો. જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. એસોસીએશનનો સર્વે એમએસએમઈ, સ્વ-રોજગાર, કોર્પોરેટ સીઈઓ અને કર્મચારીઓ પાસેથી કુલ 46,525 જેટલા પ્રત્યુત્તરો પર આધારિત છે. સર્વેની કામગીરી ગત તા.24મી મેથી 30મી મે દરમિયાન ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવી હતી.
સર્વે મુજબ 35 ટકા નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારો અને 37 ટકા સ્વ-રોજગાર ઉત્તરદાતાઓએ જણાવ્યું કે તેમનો વ્યાપાર ફરીથી બેઠો થઈ શકશે નહીં. જ્યારે 32 ટકા એમએસએમઈએ જણાવ્યું કે તેમને રિકવરી કરવામાં જ છ માસ લાગી જશે. માત્ર 12 ટકાએ જ ત્રણ માસમાં આ કામ પુર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી. સર્વેક્ષણમાં એ વાત જાણવા મળી કે કોર્પોરેટ સીઈઓ વ્યાપાર શરૂ કરવા માટે આશાવાદી છે અને તેમણે પણ ત્રણ માસમાં રિકવરીની આશા રાખી છે.
ભારતમાં પણ દુનિયાના અન્ય કેટલાક દેશોની જેમ સખ્તાઈ સાથે અને લાંબા સમયગાળા માટે લોકડાઉનનો અમલ કરાયો. એટલું જ નહીં ત્રીજા ચરણ બાદ થોડાઘણાં અંશે આર્થિક ગતિવિધિઓને ફરીથી પાટા પર લાવવા માટે ધીમા પગલે રાહતો આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ અને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનો કહેર જૈસે થેની સ્થિતિમાં રહેતા વ્યાપાર ધંધાને પુનઃ ધમધમતા કરવાની દિશામાં પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.