યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટના રિસર્ચર્સે દાવો કર્યો છે કે, ઓગસ્ટ સુધી અમેરિકામાં 1 લાખ 45 હજાર લોકોના મોત થઈ શકે છે. રિસર્ચની ટીમે શનિવારે નિવેદન જાહેર કરીને 1,40,496 મોત થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જો કે ટીમે એ વાત જણાવી નહતી કે પૂર્વાનુમાનમાં 5 હજાર લોકોના વધારો કેમ કરવામાં આવ્યો છે.
અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 1,13,055 લોકોના મોત થઈ ગયા છે. જોન્ય હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, અમેરિકામાં મિશિગન અને એરિઝોનામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
જ્યારે વર્જીનિયા, રોડ આઈલેન્ડ અને નબ્રાસ્કામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, મિનિયાપોલિસમાં જોર્જ ફ્લોયડના મોત બાદ થયેલા પ્રદર્શનોને કારણે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ઝડપથી ફેલાઈ શકે છે. આગામી દિવસોમાં અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી શકે છે. અમેરિકામાં કોરોના વાયરસના કેસની સંખ્યા 20,26,493 થઈ ગઈ છે.