‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધમાં હિંસા: તોફાનોમાં 35 પોલીસને ઇજા અને 36ની ધરપકડ

0
537
(Photo by Dan Kitwood/Getty Images)

અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મોત પછી બ્રિટનમાં ‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધ પ્રદર્શનોમાં હિંસા વધી રહી છે અને એક પ્રદર્શનકારે સેનોટાફના યુનિયન ધ્વજને બાળી નાખવાની કોશિશ કરી હતી તો તોફાને ચઢેલા ટોળાએ 17 મી સદીમાં ગુલામોનો વેપાર કરનાર એડવર્ડ કોલસ્ટનની બ્રિસ્ટલમાં આવેલી પ્રતિમાને જમીનદોસ્ત કરી દીધી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન લંડનમાં વેસ્ટમિન્સ્ટર સ્થિત પૂર્વ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલની પ્રતિમાની પ્લિન્થ પર ગ્રાફીટી કરી તેઓ રેસીસ્ટ હોવાનું લખવામાં આવ્યું હતુ.  અત્યાર સુધીમાં વિરોધ પ્રદર્શનોમાં કુલ 27 પોલીસને ઇજા પહોંચી હતી. પ્રીતિ પટેલે ‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધમાં હિંસા ‘સંપૂર્ણ અપમાનજનક’ જણાવી ચેતવણી આપી હતી કે હિંસા આચરનારાઓની ધરપકડ કરાશે. કેટલાક વોલંટીયરીંગ જૂથે બ્રિટિશ પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની પ્રતિમા પરથી ગ્રાફિટિને આજે સાફ કરી હતી.

લંડનના વ્હાઇટહોલમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા હજારો લોકો ઉતર્યા હતા. જેમાં શાંતિપૂર્ણ પ્રદર્શન હિંસક બનતા અને લોકો દ્વારા પથ્થરમારો કરાતા અને પોલીસ પર સાયકલો, કચરાપેટીઓ વગેરે ફેંકી હતી અને કેટલાક વિરોધીઓ પોલીસ અધિકારીઓ સાથે ટકરાતા જોવા મળ્યા હતા. જેમાં પોલીસ અધિકારીઓ લોહીલુહાણ થઇ ઘાયલ થયા હતા. પોલીસ પર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પોલીસે રેલી દરમિયાન 30 કરતા વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી.

હિંસામાં જવાબદાર લોકો સામે ન્યાયી પગલા લેવામાં આવશે: હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે સ્કાય ન્યૂઝને કહ્યું હતું કે ‘’મિનીપોલિસમાં ’તા. 25 મેના રોજ પોલીસ દ્વારા જ્યોર્જ ફ્લોઇડની હત્યા બાદ યુકેના પ્રદર્શનને કેટલાક ગુનાહિત તત્વો દ્વારા આડેપાટે લઇ જવામાં આવી રહ્યું છે અને હિંસામાં જવાબદાર લોકો સામે ન્યાયી પગલા લેવામાં આવશે. મને લાગે છે કે હિંસા એકદમ અપમાનજનક છે અને કેટલાક લોકો ખરેખર જે કારણોસર વિરોધ કરી રહ્યા હતા તેમાંથી વિચલિત થઈ સહાનુભૂતિ દર્શાવવા હિંસા કરી રહ્યા છે. તોફાનો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આવા અવ્યવસ્થિત અને અનૈતિક વર્તન માટે જવાબદાર વ્યક્તિઓ સામા પગલા લેવામાં આવશે.’’

શ્રીમતી પટેલે ડેઇલી મેલને જણાવ્યું હતું કે ‘’બ્રિસ્ટોલમાં જે અપમાનજનક તોડફોડ થઇ, પોલીસ અધિકારીઓ સાથે નિંદાજનક દુર્વ્યવહાર કરાયો અને વિકેન્ડમાં જે ગેરકાયદેસર વર્તન અને અવ્યવસ્થા જોઇ છે તેના માટે કોઈ બહાનું નથી. વિન્સ્ટન ચર્ચિલ મહાન નેતા હતા અને વિરોધ કરવા આપણને જે સ્વતંત્રતા મળી છે તે માટે તેમનો આભાર માનવો જોઇએ. જેમણે તોફાન કર્યું છે તેઓ નફરત ધરાવતા ગુનેગારો છે અને કોર્ટ સમક્ષ રજૂ કરવા જોઇએ.’’

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે ‘લોકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અને સામાજિક અંતર જાળવવાનો અધિકાર છે પરંતુ તેમને પોલીસ પર હુમલો કરવાનો કોઈ અધિકાર નથી. યુકેમાં એક દિવસ વિરોધ પ્રદર્શન પછી જાતિવાદ વિરોધી દેખાવો કેટલોક ‘ઠગ લોકો દ્વારા ફેલાવવામાં આવ્યા હતા. તેમણે જે કારણોસર વિરોધ કરતા હતા તેને દગો આપ્યો છે. જવાબદારોનો હિસાબ લેવામાં આવશે.’’

એક તોફાનીએ બ્રિટીશ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સ દ્વારા રચિત અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન મોતને ભેટેલા લાખો લોકોને સમર્પિત યુદ્ધ સ્મારક, સેનોટાફ પર ચઢી જઇ બ્રિટનના રાષ્ટ્રીય ધ્વજ યુનિયન જેકને આગ ચાંપી દીધી હતી. ડાઉનિંગ સ્ટ્રીટની બહાર કેટલાક પ્રદર્શનકારીઓ હિંસક બન્યા હતા. પોલીસ અધિકારીઓએ સામુહિક અરાજકતાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલાક તોફાનીઓએ બેરીકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

બ્રિસ્ટોલની ઘટનાના કલાકો પછી, બ્લેક લાઇવ્સ મેટરના દેખાવકારોએ M-6  કેરેજવે પર ધસી જતાં મિડલેન્ડ્સમાં મોટરવે બંધ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડિઓમાં કોવેન્ટ્રી નજીક એક્ઝેલ ઇન્ટરચેંજ પર મોટરવે પર ટોળા ઉમટી પડ્યા હતા અને ‘બ્લેક લાઇવ્સ મેટર’ ના નારા લગાવતા હતાં. સાંજે 5 વાગ્યે શરૂ થયેલા વિરોધને પગલે સાઉથબાઉન્ડ કેરેજ વે લગભગ બે કલાક બંધ રહ્યો હતો.

મેટ પોલીસ કમિશનર, ડેમ ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે લંડનમાં રેસીઝમ વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન 14 પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી હતી અને એક પોલીસ અધિકારી તેમના ઘોડા પરથી નીચે પડતા ઘાયલ થયો હતો. ગઈકાલે સાંજે સેન્ટ્રલ લંડનમાં પોલીસ અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન કરનાર કેટલાક લોકો હિંસક બન્યા તેથી હું ખૂબ દુખી અને હતાશ છું. અગાઉના વિરોધમાં 13 લોકો ઘાયલ થયા છે. હું વિરોધીઓને વિનંતી કરીશ કે તેમના મંતવ્યો રજૂ કરવા બીજો રસ્તો શોધે.’’

આજે સોમવારે લંડનમાં વિરોધ પ્રદર્શનના પ્રવક્તા, સિપ્રિન્ટેન્ડન્ટ જો એડવર્ડ્સે કહ્યું હતું કે, ‘’સમગ્ર રાજધાનીમાં મુખ્યત્વે શાંતિપૂર્ણ વિરોધના એક દિવસ બાદ અધિકારીઓને હિંસા અને અવ્યવસ્થાના વધુ બનાવોનો સામનો કરવો પડ્યો હતો. આ એક ભારે પ્રભાવિત આંદોલન છે અને અમે લોકોની અવાજ સાંભળવાની તેમની ઇચ્છાને સમજીએ છીએ. જો કે તે જુસ્સો અધિકારીઓ પરના હિંસક હુમલાઓમાં ફેરવાઈ ગયો તે યોગ્ય નથી. સંપૂર્ણ અસ્વીકાર્ય વર્તન સામે હું પોલીસ દળોનો તેમના પ્રોફેશનાલીઝમ માટે આભાર માનું છું. અમારું પોલિસીંગ રાતભર ચાલુ રહેશે અને હું વિરોધ કરનારા લોકોને ઘરે પાછા ફરવા વિનંતી કરૂ છું. કોરોનાવાયરસનો ખતરો ખૂબ વાસ્તવિક છે.’’

ભૂતપૂર્વ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલની પ્રતિમાને નુકશાન કરનારા એક પ્રદર્શનકારે કેમેરા પર કહ્યું હતું કે ‘’ચર્ચિલ રેસીસ્ટ હતા. તેઓ નાઝીઓ સાથે કોમનવેલ્થ માટે નહિં પણ વ્યક્તિગત સ્વતંત્રતાઓ માટે લડ્યા હતા. તેઓ શ્યામ લોકો અથવા અન્ય લોકો માટે નહિં પણ સંપૂર્ણ રીતે કોલોનીઆલીઝમ માટે કર્યું હતું. ઘણાં વર્ષોથી અમારા પર દમન થઈ રહ્યુ છે. તમે લોકોને ગુલામ બનાવી શકો નહિ.’

વંશીય અન્યાય અને પોલીસ બર્બરતા સામે વિરોધ કરતા લોકોએ વેસ્ટમિંસ્ટર પર કૂચ કરતા પહેલા લંડનમાં યુએસ એમ્બેસીની આજુબાજુની શેરીઓમાં સામાજિક અંતરના નિયમોનો ભંગ કર્યો હતો. જેના પગલે 12 ધરપકડ કરવામાં આવી હતી અને આઠ અધિકારીઓ ઘાયલ થયા હતા. મેટ્રોપોલિટન પોલીસે પુષ્ટિ કરી કે મોટાભાગની ધરપકડ જાહેર હુકમના ગુના માટે અને એકની સેનોટાફ ખાતેની ઘટના બદલ કરવામાં આવી હતી.

ગુલામોના વેપારા એડવર્ડ કોલસ્ટનની પ્રતિમાને જમીનદોસ્ત કરાઇ

બ્રિસ્ટલમાં દોરડાથી બાંધીને ફિલાન્થ્રોપીસ્ટ એડવર્ડ કોલસ્ટનની પ્રતિમાને તોડી પડાયા બાદ લોકોએ તેની પ્લિંથ પર ગ્રાફીટી કરી સુત્રો લખ્યા હતા. તોફાની લોકોએ પ્રતિમાને હાર્બરમાં ફેંકી દીધી હતી. વિડીયો ફૂટેજમાં લોકોને તૂટેલી પ્રતિમા પર ચઢીને નાચતા-કુદતા અને ચીસો પાડતા જોવા મળ્યા હતા. તો કેટલાકે પ્રતિમા પર પોતાના ઘૂંટણ મૂકીને ઉભા રહ્યા હતા.

બ્રિસ્ટોલના મેયર માર્વિન રીસે આજે બીબીસી રેડિયો બ્રિસ્ટોલને કહ્યું: ‘પ્રતિમા હજી પાણીની અંદર છે. તેને ‘કોઈક સમયે’ બહાર કાઢી શહેરના કોઈ મ્યુઝીયમમાં રાખવાની શક્યતા છે, તેના વિષે ચર્ચા યોજવામાં આવશે. પરંતુ અમારી પાસે આ ક્ષણે શહેરમાં અનેક અગ્રતાઓ છે અને બજેટમાં પણ £80 મિલિયનની જરૂર છે.

મિનિસ્ટર ફોર ક્રાઇમ એન્ડ પોલીસીંગ કિટ માલ્થહાઉસે બીબીસી બ્રેકફાસ્ટને કહ્યું હતું કે ‘’ગુનો થયો હતો, ગુનાહિત નુકસાન થયું હતું, પુરાવા ભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.’’ પરંતુ લેબરના શેડો જસ્ટીસ સેક્રેટરી ડેવિડ લમ્મીએ આઇટીવીના ગુડ મોર્નિંગ બ્રિટન પ્રોગ્રામમાં કહ્યું હતું કે ‘’હું કોલ્સ્ટનની પ્રતિમાવાળા વિરોધ પ્રદર્શનનું સંપૂર્ણ સમર્થન કરું છું. તે એક એવો માણસ હોતો જેણે 80,000થી વધુ આફ્રિકન પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનુ પરિવહન કર્યું હતું. ખરેખર તે શરમજનક છે. ઘણાં વર્ષોથી લોકો બ્રિસ્ટલમાં આ પ્રતિમાને નીચે ઉતારી લેવા હાકલ કરી રહ્યા છે.’’

પૂર્વ ચાન્સેલર સાજિદ જાવિદે પણ બ્રિસ્ટોલની ઘટનાનો ટ્વિટર પર વિરોધ કર્યો હતો. સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડી બેનેટે શપથ લીધા હતા કે બ્રિસ્ટલ હાર્બરસાઇડના ‘ગુનાહિત નુકસાનના કૃત્ય’ અંગે તપાસ કરવામાં આવશે, જ્યાં સદીઓ પહેલા ગુલામના જહાજો ડોક કરાયા હતા.

તોફાનોમાં 35 પોલીસને ઇજા અને 36ની ધરપકડ

તા. 7 જૂને રવિવારે સેન્ટ્રલ લંડનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અવ્યવસ્થા, ગુનાહિત નુકસાન અને પોલીસ પર હુમલો કરવા સહિતના વિવિધ ગુનાઓ માટે કુલ 36 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શનમાં જોડાયા હતા જે મોટા પ્રમાણમાં શાંતિપૂર્ણ હતુ.

જો કે, વ્હાઇટહોલની આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો અધિકારીઓ પ્રત્યે હિંસક બન્યા હતા. સોમવાર, તા. 8 જૂન, સોમવારે મળસ્કે 2 વાગ્યે અંતિમ વિરોધીઓને વિખેરી નાખતા પહેલા પોલીસે હિંસક અને અસામાજિક જૂથોનો સામનો કરવા માટે વિવિધ પ્રકારની રણનીતિનો ઉપયોગ કર્યો હતો.

આજે સોમવારે વહેલી સવાર સુધીમાં 35 અધિકારીઓને ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. આમાંના બે અધિકારીઓને હોસ્પિટલમાં સારવારની જરૂર હતી, એકને માથાના ભાગે ઇજા પહોંચાડ્યા પછી અને બીજાને બોટલ ફેંકાતાં ખભામાં ઈજા થઇ હતી.

ચર્ચીલની પ્રતિમાને ગુનાહિત નુકસાન સહિતની અનેક ઘટનાઓની તપાસ ચાલી રહી છે. અન્ય સ્થળો અને રાષ્ટ્રીય મહત્વની ઇમારતોના નુકશાન બદલ અધિકારીઓ જવાબદાર લોકોને ઓળખવા માટે શોધે છે.