અયોધ્યામાં સૌથી વધારે રાહ જોવાતા રામ મંદિરના નિર્માણનું કામ બુધવારે રૂદ્ર અભિષેક સમારંભ બાદ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહેશે. આ કાર્યક્રમનું આયોજન કુબેર ટીલા મંદિરમાં યોજવામાં આવશે. રામ મંદિરના નિર્માણ માટે એક ભવ્ય ભૂમિપૂજન સમારંભનું આયોજન કરવા માટેની પણ યોજના બનાવવામાં આવી હતી, પરંતુ કોરોના વાયરસના આતંકને કારણે કાર્યક્રમનું આયોજન સાદાઈથી કરવામાં આવ્યું છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના પ્રવક્તા મહંત કમલ નયન દાસે કહ્યું કે મંદિરનું નિર્માણ કાર્ય 10 જૂનના રોજ રૂદ્ર અભિષેક બાદ શરૂ થશે. અમે ભગવાન શંકરની પૂજા કરીને સૌથી પહેલા ભગવાન શ્રીરામની પરંપરાનું પાલન કરીશું. નોંધનીય છે કે રામ જન્મભૂમિ પર અસ્થાયી મંદિરને 77 દિવસ બાદ આજે સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
મંદિર સવારે આટ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને પછી ફરીથી ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી એમ કુલ આઠ કલાક માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ દરમિયાન દર્શનાર્થીઓ ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરી શકશે. જોકે, આ દરમિયાન તમામ આદેશો અને સૂચનોનું પાલન કરવું ફરજિયાત રહેશે.