કોરોનાવાયરસ રસીનો ચાલુ ટ્રાયલ સફળ સાબિત થશે તો બ્રિટિશ ફાર્મા જાયન્ટ એસ્ટ્રાઝેનેકા સપ્ટેમ્બરમાં કોરોનાવાયરસની રસીના બે અબજ ડોઝનું ઉત્પાદન કરવા માટે “ટ્રેક પર” છે તેમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવે શુક્રવારે જણાવ્યું હતું. રસીના સંશોધનમાં પાયોનીયર એવી ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે આ કંપની ભાગીદારી કરી રહી છે અને આવતા મહિને પરીક્ષણ પૂર્ણ થયા બાદ રેગ્યુલેટરીની મંજૂરી મેળવા પહેલા ડોઝનું ઉત્પાદન કરનાર છે.
એસ્ટ્રાઝેનેકાના ચીફ એક્ઝિક્યુટિવ પાસ્કલ સોરિઓટે બીબીસી રેડિયોને જણાવ્યું હતું કે, “અમે હજી સુધી ટ્રેક પર છીએ. અમે હમણાં આ રસી તૈયાર કરી શકીએ છીએ અને તેનો ઉપયોગ કરવા આપણે તૈયાર રહેવું પડશે. ધારણા છે કે અમારી પાસે ઓગસ્ટ સુધીમાં ડેટા હશે, તેથી સપ્ટેમ્બરમાં જાણી શકાશે કે આપણી પાસે અસરકારક રસી છે કે નહીં.”
કંપનીએ આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેણે કોલિએશન ફોર એપિડેમિક પ્રીપેરનેસ ઇનોવેશન (સીઇપીઆઈ), ગેવી – વેકસીન એલાયન્સ અને ભારતના પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે કોવિડ-19 રસીની ઉત્પાદન ક્ષમતાને ડબલ કરી બે મીલીયન ડોઝ તૈયાર કરવા સમજૂતી કરી હતી. વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદકોમાંના એક ભારતીય સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથેની ભાગીદારી થયા બાદ ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં મોટી સંખ્યામાં આ રસી સપ્લાય કરવામાં મદદ કરશે.
ભારતે ગુરૂવારે વૈશ્વિક રસી જોડાણ ગેવીને $15 મિલિયનના દાનનું વચન આપ્યું હતું. એસ્ટ્રાઝેનેકા અને સીરમ સંસ્થાએ રસી ઉત્પન્ન કરવાના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા.
યુકેની આગેવાની હેઠળની વર્ચ્યુઅલ ગ્લોબલ વેક્સીન સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ પડકારજનક સમયમાં ભારત વિશ્વ સાથે એકતામાં ઉભું છે. “અમે વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદક છીએ અને વિશ્વના 60 ટકા બાળકોના રસીકરણમાં યોગદાન આપવા બદલ ભાગ્યશાળી છીએ. ગેવીને અમારો ટેકો માત્ર આર્થિક નથી, ભારતે રસીના વૈશ્વિક ભાવોમાં ઘટાડો કર્યો છે. ઓછી કિંમતે ગુણવત્તાવાળી દવાઓ અને રસી પેદા કરવાની અમારી ક્ષમતા સાબિત કરી છે. તમે ભારતના સમર્થન પર વિશ્વાસ કરી શકો છો.”
એસ્ટ્રાઝેનેકાએ યુરોપ, યુ.એસ., ભારતમાં રસી માટે અલગ સપ્લાય ચેન સ્થાપિત કરી છે અને ચીનમાં ઉત્પાદન સ્થાપવા પણ વિચારી રહી છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ એપ્રિલમાં સેંકડો સ્વયંસેવકો સાથે તેની કોવિડ-19 રસીના પ્રારંભિક પરીક્ષણો શરૂ કર્યા હતા અને હવે તે 10,000 જેટલા સહભાગીઓમાં તે ડેટાને વિસ્તૃત કરી રહ્યા છે.