સતત બીજા વર્ષે અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી બન્યો છે, જેનું નામ અમેરિકાની જાણીતા આર્થિક મેગેઝિન ‘ફોર્બ્સ’ના વાર્ષિક હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટીસ લિસ્ટમાં છે. વર્ષ 2020માં દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારા એન્ટરટેઈનર્સના લિસ્ટમાં આ વખતે અક્ષય કુમાર 52મા નંબર પર છે એટલે કે હાલમાં અક્ષયની ઉંમર પણ 52 છે અને લિસ્ટમાં તેનો નંબર પણ 52 છે. લિસ્ટમાં ટોચ પર કાયલી જેનર છે.
ફોર્બ્સનું આ લિસ્ટ જૂન 2019થી જૂન 2020 સુધીની સેલિબ્રિટીઝની પ્રી ટેક્સ કમાણીને આધારે તૈયાર કરવામાં આવે છે. ફોર્બ્સના એન્યુઅલ સેલિબ્રિટી 100 લિસ્ટમાં અક્ષય કુમાર 48.5 મિલિયન ડોલર (અંદાજે 366 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. શાહરુખ ખાન સતત ત્રીજા વર્ષે અને સલમાન સતત બીજા વર્ષે આ લિસ્ટમાંથી બહાર છે.
કમાણીની આ યાદીમાં અક્ષય કુમારે જેનિફર લોપેઝ, વિલ સ્મિથ, રિહાના, જેકી ચેન જેવા ઈન્ટરનેશનલ સેલેબ્સને પાછળ મૂક્યા છે. ગયા વર્ષે અક્ષય કુમાર આ લિસ્ટમાં 33મા નંબર હતો. ગયા વર્ષે અક્ષયની કમાણી 444 કરોડની હતી. ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે, અક્ષય કુમાર બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનારો એક્ટર છે.
તે એમેઝોન પ્રાઈમ પર પોતાની પહેલી સીરિઝ ‘ધ એન્ડ’ની તૈયારીમાં વ્યસ્ત છે. બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડનાર અક્ષય કુમારને ‘બચ્ચન પાંડે’ તથા ‘બેલ બોટમ’ માટે 98 કરોડ રૂપિયા જેટલી ફી મળી છે. ભારતમાં સૌથી વધુ દાન કરનારા સેલેબ્સમાંથી એક અક્ષય કુમારે કોરોનાવાઈરસ રીલિફ ફંડ માટે દેશમાં 34 કરોડ (4.5 મિલિયન ડોલર)નું દાન આપ્યું છે.
ટોપ 10 સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી
1. કાયલી જેનર (મોડેલ, બિઝનેસવુમન) 4456 કરોડ રૂપિયા (590 મિલિયન ડોલર)
2. કાન્યે વેસ્ટ (અમેરિકન રેપર) 1284 કરોડ રૂપિયા (170 મિલિયન ડોલર)
3. રોજર ફેડરર (ટેનિસ પ્લેયર) 803 કરોડ રૂપિયા (106. 3 મિલિયન ડોલર)
4. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (ફૂટબોલર) 793 કરોડ રૂપિયા (105 મિલિયન ડોલર)
5. લિયોનેલ મેસી (ફૂટબોલર) 785 કરોડ રૂપિયા (104 મિલિયન ડોલર)
6. ટાયલર પેરી (ડિરેક્ટર, એક્ટર, પ્રોડ્યૂસર) 732 કરોડ રૂપિયા (97 મિલિયન ડોલર)
7. નેમાર (ફૂટબોલર) 721 કરોડ રૂપિયા (95.5 મિલિયન ડોલર)
8. હૉવાર્ડ સ્ટર્ન (રેડિયો હોસ્ટ) 679 કરોડ રૂપિયા (90 મિલિયન ડોલર)
9. લેબ્રૉન જેમ્સ (બાસ્કેટબોલ પ્લેયર) 666 કરોડ રૂપિયા (88.2 મિલિયન ડોલર)
10. ડ્વેન જૉનસન (એક્ટર) 660 કરોડ રૂપિયા (87.5 મિલિયન ડોલર)