અમેરિકામાં મિનિઆપોલિસમાં શ્વેત પોલીસ દ્વારા ગરદન પર ઘૂંટણથી દબાણ આપવામાં આવતા 25 મી મેના રોજ મોતને ભેટેલા 46 વર્ષીય અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના સમર્થનમાં અમેરિકા ખાતે વ્યાપક હિંસા અને વિરોધ પ્રદર્શનો બાદ લંડનના હાઇડ પાર્કમાં આજે બ્લેક લાઇવ્સ મેટર બાબતે મોટી સંખ્યામાં એકત્ર થઇ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. યુકેમાં અત્યાર સુધીમાં આ બીજું મોટું પ્રદર્શન છે. નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે લગભગ 2,000 વિરોધીઓના ક્રોધિત ટોળા સામે મેટ પોલીસે ઘુંટણીયે પડીને સહમતી જતાવી જ્યોર્જ ફ્લોઇડને શ્રદ્ધાંજલિ આપી હતી. પોલીસે ઓછામાં ઓછા એક પ્રદર્શનકારીની ધરપકડ કરી હતી. યુકેના પોલીસના ચિફ કોન્સ્ટેબલ્સે ‘ન્યાય અને જવાબદારી’ની માંગ કરી યુએસમાં હિંસક દ્રશ્યોની નિંદા કરી હતી.
અભિનેતા જ્હોન બોયેગા અને ગાયક લિયામ પેન સહિત ઓછામાં ઓછા 15,000 જેટલા બ્લેક લાઇવ્સ મેટર દેખાવકારો જ્યોર્જ ફ્લોઇડના મૃત્યુ સામે ગુસ્સો દર્શાવવા, સામાજિક અંતર રાખવાની માર્ગદર્શિકાઓની અવગણના કરીને લંડનમાં એકઠા થયા હતા. જેમાંના ઓછામાં ઓછા 2,000 લોકોએ ડાઉનિંગ સ્ટ્રીટની સામે દેખાવો કર્યા હતા. વિરોધીઓ ‘ફ** બોરિસ અને ‘ફ ** ટ્રમ્પ’ ના નારા લગાવ્યા હતા.
ભીડની મંજૂરી સાથે મેટ પોલીસને ચાર અધિકારીઓએ ઘુંટણીયે પડીને અંજલિ આપી અન્ય અધિકારીઓને અનુસરવા વિનંતી કરી હતી. એન.એફ.એલ. સ્ટાર અને અમેરિકન ફૂટબોલર કોલિન કેપરનિકે અમેરિકામાં ‘ટેક અ ની’ ચળવળ શરૂ કરી છે જે વિશ્વભરમાં જાતિવાદ સામે ગુસ્સો અને એકતાનું પ્રતિક બની ગઈ છે. યુ.એસ.માં પણ પોલીસ અધિકારીઓએ વિરોધીઓના સમર્થનમાં ઘૂંટણ લેવાનું શરૂ કર્યું હતું.
પોલીસ પર ઓછામાં ઓછા ત્રણ મિસાઇલો ફેંકવામાં આવી હતી, એક અધિકારીને મુક્કો મારવામાં આવ્યો હતો. જો કે, આ દુર્વ્યવહાર છૂટાછવાયા હતા. આજે બપોરે હાઇડ પાર્કમાં લોકો મોટી માત્રામાં એકઠા થયા હતા અને ઘણા ચળવળકારોએ ચહેરો ઢાંક્યો હતો અને તેઓ ‘આઇ કાન્ટ બ્રિધ’, ‘બીએલએમ’ અને ‘કલર ≠ ક્રાઈમ, ‘ઇનફ ઇઝ ઇનફ’, ‘રીમેમ્બર સ્માઇલી કલ્ચર’, ‘ રીમેમ્બર ચેરી ગ્રોસ’ અને ‘યુકે ઇઝ નોટ ઇનોસન્ટ’ એવા બેનર્સ અને પ્લેબોર્ડ સાથે એકત્ર થયા હતા.
આજે, સ્ટાર વૉર્સના અભિનેતા બોયેગાએ ટોળાને સંબોધન કર્યું હતું. પોલીસે ઉપર હેલિકોપ્ટર્સ તૈનાત કર્યા હતા. હાઇડ પાર્કથી વિરોધીઓએ પાર્ક લેન થઇ વેસ્ટમિંસ્ટરના પાર્લામેન્ટ સ્ક્વેરમાં રેલી સ્વરૂપે જઇ પહોંચ્યા હતા. જ્યાં કેટલાક પ્રદર્શનકારીઓ યુદ્ધના સમયના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની પ્રતિમા ઉપર ચઢી ગયા હતા.
જાતિવાદ વિરોધી ઝુંબેશ જૂથ ‘સ્ટેન્ડ ટુ રેસીઝમ’ બ્રિટનના લોકોને ભેદભાવ સામે વિરોધ દર્શાવવા માટે બુધવારે તા. 3ના રોજ સાંજે 6 વાગ્યે લોકોને તેમના ઘરના દરવાજે ‘ઘૂંટણિયે’ પડવાની વિનંતી કરી હતી, જે બ્લેક લાઇવ મેટર આંદોલનને પણ સમર્થન આપે છે.