ભારતમાં સરકારે કોરોનાવાઈરસના રોગચાળા સામેના જંગમાં બે મહિના જેટલા લાંબા સમય સુધી લોકડાઉનનું પાલન કર્યા પછી હવે સરકાર લોકડાઉનમાંથી બહાર નિકળવાની દિશામાં આગળ ધપી રહી છે. સોમવાર, 1લી જુનથી ફક્ત કન્ટેઈનમેન્ટ વિસ્તારો સિવાય સમગ્ર દેશમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓને મંજુરી અપાઈ છે, તો ધર્મસ્થાનો, હોટેલ – રેસ્ટોરેન્ટ વગેરે જેવા વધુ લોકો ભેગા થાય તેવા સ્થળો આગામી તા. 8મીથી કેટલાક નિયમો અને નિયંત્રણો સાથે ખુલશે તેવી જાહેરાત પણ રવિવારે, 31 મેએ કેન્દ્ર સરકારે કરી દીધી હતી. શિક્ષણ પ્રવૃત્તિઓને હજી મંજુરી નથી અપાઈ. આ અનલોક – 1માં જુદા જુદા રાજ્યો વચ્ચે લોકોની અવરજવર માટે કોઈ મંજુરીઓ લેવી નહીં પડે, વેપાર – ધંધા અને કામકાજનો સમય વધારીને સાંજે 7.00 સુધી તેમજ લોકોની સામાન્ય અવરજવરનો સમય સવારે 5.00 થી રાત્રીના 9.00 વાગ્યા સુધીનો રહેશે. આ નવા નિયંત્રણો સમગ્ર જુન મહિના માટે રહેશે. ભારતમાં ઈન્ટરનેશનલ ફલાઈટ્સની અવરજવરનો નિર્ણય હજી લેવાયો નથી, તેમાં થોડો વધુ સમય લાગે તેમ જણાય છે.
કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સમગ્ર દેશમાં લાગુ લૉકડાઉનનો ચોથો તબક્કો રવિવારે પૂરો થવાનો છે ત્યારે ગૃહમંત્રાલયે લૉકડાઉનના પાંચમા તબક્કા અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ સાથે ગૃહમંત્રાલયે દેશમાં અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે ત્રણ તબક્કામાં લૉકડાઉનને અનલોક કરવાની એટલે કે ઉઠાવી લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ગૃહમંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ હવે માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં જ સંપૂર્ણ લૉકડાઉન લાગુ રહેશે, જેને ૩૦મી જૂન સુધી લંબાવાયું છે. ગૃહમંત્રાલયે શનિવારે જાહેર કરેલી નવી માર્ગદર્શિક કન્ટેનમેન્ટ ઝોન સહિત સમગ્ર દેશમાં ૩૦મી જૂન સુધી લાગુ રહેશે.
ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા જાહેર કરતાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી અંગે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખી વધારાના નિયંત્રણો લાદવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ સત્તા અપાશે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબમાં ૩૦મી જુન સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ રાજ્યમાં લૉકડાઉન ૧૫મી જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.
ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાત્રી કરફ્યુમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. પહેલાં રાત્રી કર્ફ્યુ સાંજે ૭.૦૦થી સવારે ૭.૦૦ વાગ્યા સુધી હતો. તેના બદલે હવે રાત્રી કર્ફ્યુ રાત્રે ૯.૦૦થી સવારે ૫.૦૦ વાગ્યા સુધી રહેશે. દેશમાં લૉકડાઉનમાં છૂટછાટ અપાઈ છે ત્યારે લોકોએ કેટલાક નિર્દેશોનું પાલન કરવું પડશે. ઓફિસ, જાહેર સ્થળો પર લોકોએ માસ્ક પહેરવા પડશે અને સ્વચ્છતા સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.
દેશમાં રવિવારે લૉકડાઉનનો ચોથો તબક્કો પૂરો થયા પછી સોમવારથી ત્રણ તબક્કામાં લૉકડાઉન ઉઠાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં એટલે કે ૧લી જૂનથી રાજ્યો વચ્ચે લોકોના પરિવહન પરના નિયંત્રણો દૂર કરવામાં આવશે. લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે તેમજ એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે પણ સ્વતંત્ર હશે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં પરિવહન માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. જોકે, રાજ્યોને જરૂર લાગે તો તેઓ આ અંગે પ્રતિબંધો મૂકી શકે છે. આ માટે તેઓ અગાઉથી જાહેરાત કરશે. આરોગ્ય સેતુ એપથી કોરોનાના જોખમ અંગે જાણી શકાય છે. તેથી સરકારે લોકોને આ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરી છે.
બીજા તબક્કામાં ૮મી જૂનથી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્ટોરાં અને શોપિંગ મૉલ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
આ બે તબક્કામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈને ત્રીજા તબક્કામાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો, મેટ્રો રેલ, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ, થિયેટર્સ, બાર, ઓડિટોરિયમ્સ વગેરેને ખોલવાનો નિર્ણય લેવાશે. ઉપરાંત સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સમારંભો માટે મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવાની મંજૂરી અંગે પણ ત્રીજા તબક્કામાં નિર્ણય લેવાશે. જોકે, આ સંદર્ભમાં સ્થિતિની સમિક્ષા કર્યા પછી તારીખ નક્કી કરવામાં આવશે.
વધુમાં જુલાઈ મહિનાથી દેશભરમાં શાળા-કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે રાજ્યો અને અન્ય સ્થાનિક ઓથોરિટી સાથે ચર્ચા મસલત કર્યા પછી નિર્ણય લેવાશે.
આ બાબતમાં વાલીઓ અને અન્ય હિસ્સેદારો સાથે પણ ચર્ચા કરાશે. લૉકડાઉનના પાંચમા તબક્કામાં રાજ્ય સરકારોને વધુ સત્તા અપાઈ છે. હવે રાજ્ય સરકારો જ નક્કી કરશે કે તેમના વિસ્તારોમાં બસ અને મેટ્રો સેવાઓ કેવી રીતે શરૂ કરવી. કેન્દ્ર સરકારે તો પ્રતિબંધો હટાવી લીધા છે, પરંતુ કોરોના અંગે સ્થાનિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો તેમના સ્તરે પ્રતિબંધો મૂકી શકશે.