બંધ પડેલી ભારતીય એરલાઇન કંપની- જેટ એરવેઝ ખરીદવામાં યુકે, કેનેડા અને દક્ષિણ અમેરિકન સહિતની કુલ 11 કંપનીઓએ રસ દાખવ્યો છે. તેમાં યુકેની કાર્લોક કેપિટલ, હૈદરાબાદ સ્થિત ટર્બો એવિએશન, આલ્ફા એરવેઝ અને કેનેડિયન નાગરિક સિવા રસિઆનો સમાવેશ થાય છે. આ એરલાઇન ખરીદી લેવા માટેના પ્રસ્તાવ મોકલવાની અંતિમ તારીખ 28 મે હતી.
ગંભીર આર્થિક સંકટને કારણે ગત વર્ષે એપ્રિલમાં જેટ એરવેઝનું કામ બંધ થઇ ગયું હતું અને પછી તેને ફરીથી શરૂ કરવા માટે પ્રયાસ થઇ રહ્યા હતા. જેટ ખરીદવા માટે આ ચોથીવાર પ્રસ્તાવ મગાવવામાં આવ્યો હતો. ગત વર્ષે નાદારી નોંધાવ્યા પછી તેને જૂન 2019માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં મોકલવામાં આવી હતી. પ્રસ્તાવ મોકલનારામાં જેટ એરવેઝના કર્મચારીઓના એક મંડળનો પણ સમાવેશ થાય છે.
આ અંગે માહિતી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમને 11-12 પ્રસ્તાવ મળ્યા છે. અમે એ તપાસી રહ્યા છીએ કે તેઓ તમામ શરતો પૂર્ણ કરી શકે છે કે નહીં. તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવમાંથી યોગ્ય 3-4 કંપનીઓને અલગ તારવવામાં આવી શકે છે. તેમાં કેટલાક રસપ્રદ નામ છે, જોઇએ આગળ શું થાય છે. અલગ તારવાયેલાના નામ 11 જુલાઇએ જાહેર થશે. સાઉથ અમેરિકા સ્થિત સિનર્જી ગ્રુપે અગાઉ પણ રસ દાખવ્યો હતો પરંતુ તેમણે સમયસર બિડિંગ બિડ જમા કરાવી નહોતી.
જેટ એરવેઝના રીઝોલ્યુશન પ્રોફેશનલ આશિષ છાવછરીયાએ ગત મહિનાની શરૂઆતમાં એક્સચેન્જને જણાવ્યું હતું કે, પ્રક્રિયા પૂર્ણ કરવાની નવી સમયમર્યાદા 21 ઓગસ્ટ, 2020 છે. જોકે, કેન્દ્ર સરકાર અથવા મહારાષ્ટ્રમાં લોકડાઉન વધારવામાં આવે તો અલગ બાબત છે.
જેટ એરવેઝ પર કુલ રૂ. 37, 300 કરોડનું દેવુ છે. જેમાંથી રૂ. 15,900 કરોડને રીઝોલ્યુશન પ્રોફેશનલ્સે મંજૂર કરી દીધા છે. જેટ એરવેઝમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્ત્વ હેઠળ બેંકોના રૂ. આઠ હજાર કરોડથી પણ વધુ નાણાં પણ ફસાયા છે.