‘અનલોક-૧’ અંતર્ગત અપાયેલી છૂટછાટને પગલે ૬૭ દિવસ બાદ આખરે અમદાવાદમાં જનજીવન પુનઃ ધબકતું થઇ ગયું છે. કોરોના વાયરસના કેર વચ્ચે વ્યાવસાયિક પ્રવૃત્તિનો સંપૂર્ણપણે પ્રારંભ થઇ જતાં અમદાવાદનું ‘ખોવાયેલું સ્મિત’ પરત ફર્યું હતું. છેલ્લા કેટલાક સમયની સુષુપ્તા ખંખેરી વહેલી સવારથી જ અમદાવાદનું જનજીવન પાટે ચઢવા લાગ્યું હતું. અઢી મહિના બાદ અમદાવાદ માર્ગો પર રીક્ષા, એએમટીએસ, બીઆરટીએસ દોડતી જોવા મળી હતી.
પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. જેના ભાગરૂપે એએમટીએસ, બીઆરટીએસમાં ૫૦ ટકા મુસાફરોને જ બેસાડવામાં આવ્યા હતા. અઢી મહિના બાદ જાણે અમદાવાદના રોડ ટ્રાફિકથી ધમધમી ઉઠયા હતા. જોકે, અનેક સ્થાને સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.
કોરોના જાણે સંપૂર્ણ નાબુદ જ થઇ ગયો હોય તેમ અનેક લોકો માસ્ક વિના જ બહાર નીકળી ગયા હતા. અનેક બાળકો પણ બહાર રમવા માટે નીકળી પડયા હતા. સરકારે છૂટછાટ ભલે આપી હોય પણ સાથે માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન થાય તેની પણ તકેદારી રાખવાની જરૂર છે. સરકારે જારી કરેલા નિયમ પ્રમાણે મોટાભાગની દુકાન સાંજે ૭ કલાક બાદ બંધ થઇ ગઇ હતી.