આસામ રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાના કારણે ઓછામાં ઓછા 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામનાર લોકોમાંથી મોટા ભાગના લોકોમાં દક્ષિણી આસામના ત્રણ અલગ-અલગ જિલ્લાઓ કરીમગંજ, સિલ્ચર અને હિલાકાંડીના ત્રણ અલગ-અલગ પરિવારોના હતા.
ભૂસ્ખલનની આ ઘટનાઓ આસામની બરાક ઘાટી વિસ્તારમાં ઘટી હતી. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે ટ્વીટ કરીને કહ્યું ભૂસ્ખલનની ઘટના અને તેમાં મૃત્યુ પામનાર લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા પ્રશાસન અને એસડીઆરફએફની ટીમને તાત્કાલીક ધોરણે રાહત બચાવ કામગીરી હાથ ધરવા માટેના આદેશ પણ આપ્યા.
આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. કછાર જિલ્લામાં સાત, હૈલાકાંડી જિલ્લામાં સાત અને કરીમગંજ જિલ્લામાં છ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી લીધી છે.