25 મેના રોજ અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લાયડની પોલીસ હાથે મોત થયા બાદ અમેરિકામાં વિરોધ પ્રદર્શન અને હિંસા થઈ રહી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી પ્રદર્શનકારીઓને ચેતવણી આપી છે. ટ્રમ્પે સોમવાર રાતે કહ્યું કે જો હિંસા ચાલું રહી તો તેઓ સેના તહેનાત કરશે. આ પહેલા પણ પ્રેસિડેન્ટ પ્રદર્શનકારીઓને ચેતવણી આપી ચૂક્યા છે.
થોડા દિવસ પહેલા તેણે કહ્યું હતુંકે અમારી પાસે સારા હથિયાર અને ખતરનાક કુતરાઓ છે. અમેરિકાના મોટાભાગના રાજ્યમાં જ્યોર્જના મોત પછી વિરોધ પ્રદર્શન અને હિંસા ચાલું છે. એક સપ્તાહ વીતી ગયુ છે. પરંતુ હજુ સુધી મોટા ભાગના રાજ્યમાં હિંસા, લૂંટફાટ અને આગની ઘટના ઉપર કાબૂ મેળવી શકાયો નથી.
પ્રેસિડેન્ટની અપીલ અને ચેતવણીની કોઈ અસર થઈ નથી. સોમવારે ટ્રમ્પે કહ્યું કે તમામ લોકો અમેરિકાના જ્યોર્જના મોતની ઘટનાથી દુ:ખી છે. તેમણે આશ્વાસન આપ્યુ છે કે જ્યોર્જને ન્યાય મળશે. સાથે પ્રદર્શનકારીઓને ચેતવણી આપી છે કે જો હિંસા અને લૂટફાટની ઘટના રોકાઈ નહીં તો અમે સેના તહેનાત કરીશું.
જ્યોર્જના મોતના અમુક વીડિયો સામે આવ્યા છે. અમુક ઘટનાસ્થળે હાજર લોકોએ બનાવ્યા તો અમુક સિક્યુરિટી સર્વિલન્સ કેમેરામાં કેદ થયા. ખાસ વાત એ છે કે પોલીસે ફ્લોયડ ઉપર જે રીત અપનાવી ચે કે વિભાગીય નિયમોનો ભંગ છે.
પોલીસ અધિકારીનો વ્યવહાર જોઈ નજીકના લોકોએ પણ તેને છોડી દેવાની માંગ કરી હતી. પોલીસ આગળ કોઈનું ન ચાલ્યું. ફ્લોયડના મોતના બીજા દિવસે ઘટનામાં સામેલ તમામ ચાર પોલીસ અધિકારીને ડિસમિસ કરાયા છે. જ્યોર્જનું ગળુ દબાવનાર ડેરેક ચોવેન સામે હત્યાનો કેસ કરાયો છે.
ચોવેન સામેના કેસમાં કહેવાયું છે કે તેણે 8 મિનિટ અને 46 સેકન્ડ જ્યોર્જના ગળા ઉપર ઘૂટણ રાખ્યો હતો. જ્યોર્જનો શ્વાસ બંધ થઈ જવા છતા તેણે ઘૂટણ હટાવ્યો ન હતો. મેડીકલ ટીમ ત્યાં પહોંચી પછી તેણે ઘૂટણ હટાવ્યો હતો. ઘટનામાં બીજા ત્રણ અધિકારીઓ સામેલ હતા. તેના નામ થોમસ લેન, જે. એલેક્ઝેન્ડર અને ટાઉ થાઓ છે. તેમની સામે તપાસ ચાલી રહી છે.