વડાપ્રધાન બોરીસ જ્હોન્સને બે મહિનાના કડક પ્રતિબંધો પછી દેશનું કોવિડ ‘એલર્ટ’ સ્ટેટસ ઔપચારિક રૂપે ચાર પરથી ઘટાડીને ત્રણ કરવાની અને ઇગ્લેન્ડમાં લોકડાઉન હળવુ કરવાની ગુરૂવારના રોજ દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત સોમવાર તા. 1થી પરિવારો દાદા- દાદીને અને તેઓ પૌત્ર-પૌત્રીઓને મળી શકશે, ગાર્ડનમાં મિત્રો અથવા કુટુંબના વધુમાં વધુ છ લોકો બહાર કે બગીચામાં મળી શકશે કે બારબેક્યુ પાર્ટી કરી શકશે. ઇંગ્લેન્ડમાં, સોમવારથી બાળકોની નર્સરી, શરૂઆતના વર્ષોની સેટિંગ્સ અને રિસેપ્શન, યર 1 અને યર 6ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવાના સંકેત આપવામાં આવ્યા છે. કેટલીક દુકાનો ફરીથી ખોલવા દેવાશે જેમાં આઉટડોર રિટેલ અને કાર શોરૂમ ફરીથી કામગીરી શરૂ કરી શકશે. ગાર્ડન સેન્ટર્સ, ડીઆઈવાય સ્ટોર્સ અને ટેકઅવે ફૂડ ચેઇન્સે પોતાની શાખાઓ ખોલવાનું શરૂ કર્યું છે.
બોરીસ જ્હોન્સને અન્ય બિન-જરૂરી રિટેલ દુકાનો જેમ કે ફેશન અથવા હોમવેર રિટેલની દુકાનોને 15 જૂનથી ખોલવાની મંજુરી આપી હતી. જ્યારે અન્ય વ્યવસાયો, જેમ કે પબ્સ, હેરડ્રેસર અને સિનેમા હોલ માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે. જોકે લોકોએ સ્વચ્છતાના નિયમો અને બે મીટરનું સામાજિક અંતર જાળવી રાખવું પડશે. આમ છતાં બીજા ઘરનાં લોકોને ગળે મળી શકશો નહીં અથવા આખી રાત કોઇના ત્યાં રોકાઈ શકશો નહીં. જાહેર કરાયેલા ફેરફારોના ભાગ રૂપે આવતા મહિનાથી દુકાનો અને શાળાઓ ફરીથી ખોલવાનું આયોજન છે. ગુરૂવારથી મેકડોનાલ્ડ્સ યુકેના તમામ 1,019 આઉટલેટ્સને ડિલિવરી અથવા ડ્રાઇવ-થ્રુ માટે ખુલ્લા કરનાર છે.
શ્રી જ્હોન્સને જણાવ્યું હતું કે ‘’લોકડાઉન પછીના તબક્કામાં જવા માટેના પાંચેય ટેસ્ટ પૂર્ણ થયા છે અને તે મારી કે સરકારની સિધ્ધિ નથી – તે જનતાની ઉપલબ્ધિ છે. વાયરસને દૂર કરવાના આપણા રાષ્ટ્રીય હેતુ માટેના તમારા સંકલ્પ અને સમર્પણને લીધે જ આ શક્ય બન્યું છે જે બદલ આપ સૌનો આભાર. આગામી સપ્તાહથી નિયંત્રણો થોડા હળવો કરવામાં આવશે.’’
જો કે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પેટ્રિક વાલેન્સે ચેતવણી આપી છે કે દરરોજ 8,000 નવા ચેપ નોંધાઇ રહ્યા છે અને નિયમોને વધુ હળવા કરવા જતાં ‘વિસંગતતાઓ અને અસંગતતાઓ’ સર્જાશે.
ઇંગ્લેન્ડમાં શું બદલાઈ રહ્યું છે?
સોમવારથી, લોકો છ વ્યક્તિઓના કૌટુંબિક જૂથો બગીચાઓ અને બરબેક્યુ માટે પાર્ક અને ઘરના ગાર્ડનમાં મળી શકે છે. પરંતુ લોકોને બાથરૂમ વાપરવા સિવાય અન્ય કોઈ કારણોસર ઘરની અંદર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલા તમારા હાથ ધોવા જોઈએ, ખોરાક અથવા પ્લેટો આપતી વખતે સાવચેત રહેવા જણાવાયુ છે. ઇંગ્લેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં કુટુંબીજનો અને મિત્રોને મળવા માટે માઇલેજની લીમીટ વગર વાહન ચલાવવાની મંજૂરી અપાઇ છે, પરંતુ શક્ય તેટલું સ્થાનિક વિસ્તારમાં રહેવાની સામાન્ય સલાહ છે. ગોલ્ફર્સ ચાર લોકોના જૂથોમાં રમી શકશે અને ક્લબ સ્પર્ધાઓ કરી શકશે. ખૂબ નજીક હોવાથી ચેપનું જોખમ લાગે તેવી શક્યતાને પગલે ગળે મળવા, હાથ મિલાવવા અથવા ચુંબન કરવાની સલાહ આપવામાં આવી નથી. જો તમે હગ કરવા માંગતા હો તો શાવરના કર્ટેઇનનો ઉપયોગ કરો. એકબીજાના ચહેરાને સ્પર્શ ન થાય તેની કાળજી રાખો. કોઇ હગ આપે અને તેમને રોકી ન શકો અથવા કોઇ બહુ નજીક આવે તો તમારા શ્વાસને રોકી રાખો. હંમેશા તે પછી તમારા હાથ ધોઇ નાંખો.
જુદા જુદા ઘરનાં નાના બાળકોને પેડલિંગ પૂલ, ક્લાઇમ્બીંગ ફ્રેમ્સ, સ્લાઇડ્સ અથવા કંઈપણ શેર ન કરવા અને બે મીટરથી વધુ નજીક ન જવા માટે પ્રોત્સાહિત કરાશે. કોઈ બીજાના ઘરે રાતવાસો કરવાની યુકેભરમાં ક્યાંય પણ મંજૂરી આપવામાં આવશે નહીં. બીજાના ઘરે બાથરૂમનો દરવાજો ખોલવા અને બંધ કરવા માટે પેપર ટીસ્યુનો અને હાથ લુછવા કિચન રોલનો ઉપયોગ કરવો. કોઇના ઘરે ગયા હો અને વરસાદ પડે તો તમારે બહાર છત્રી ખોલીને બહાર ઉભા રહેવુ પડશે અથવા પરત થવુ પડશે. કોઇ પણ સંજોગોમાં બીજાના ઘરે રહી શકાશે નહિ. તમે જુદા જુદા સમયે જુદા જુદા લોકોને મળી શકો છો, પરંતુ બને એટલુ ઝડપથી વધુ ગૃપને મળવાનુ ટાળો. આરોગ્યની રીતે અત્યંત નબળા જૂથમાં હોય અને જેમને જી.પી.નો પત્ર મળ્યો હોય તેવા લોકોએ અલગ રહેવાનું ચાલુ રાખવું જોઈએ. 70 કે તેથી વધુ વયના સારી તબીયત ધરાવતા લોકો મળી શકે છે. કેર હોમની સલાહ વગર તમે કોઇ પણ રહેવાસીને મળી શકો નહિં.
વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ
વેલ્સના લોકોને નોકરી પર જવા સિવાય આવશ્યક કારણોસર અથવા આવશ્યક ચીજો ખરીદવા માટે તેમના ઘરથી પાંચ માઇલથી વધુની મુસાફરી કરવાની મંજૂરી રહેશે નહીં. વેલ્સમાં ખુલ્લામાં હળવા મળવા મંજૂરી આપવામાં આવી છે જેમાં બે ઘરના લોકો મળી શકશે. ગાર્ડન સેન્ટર ખોલાશે અને લોકો પોતાના ઘરના લોકો સાથે અમર્યાદિત સમય માટે સ્થાનિક કસરત કરી શકશે.
સ્કોટલેન્ડમાં શુક્રવારે તા. 29ના રોજ પ્રતિબંધોને હળવા કરવામાં આવ્યા હતા. જેમાં એક સમયે એક સાથે વધુમાં વધુ આઠ લોકો એક બીજાના ઘરે ખુલ્લામાં મળી શકશે. પણ તેઓ તેમના ટોયલેટ વાપરી શકશે નહિં. લોકો ગાર્ડન સેન્ટર્સની મુલાકાત લઇ શકશે, ગોલ્ફ અને ટેનિસ જેવી રમતો રમી શકશે. ઓછામાં ઓછુ ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેશે. પબ્સ, સિનેમાઘરો અને હેરડ્રેસર ખોલવા 4 જુલાઈ સુધી રાહ જોવી પડશે. પરંતુ જ્હોન્સને ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે તારીખને આગળ લાવી શકાશે. બિન-જરૂરી દુકાનો અને લાઇબ્રેરીઓ પણ બંધ રહેશે.
વધુ પગલાં ક્યારે ઉઠાવવામાં આવશે તે અંગે સ્કોટલેન્ડે કોઈ સમયસીમા નક્કી કરી નથી. જ્યારે વેલ્સમાં સામાજિક અંતરના નિયમોનું પાલન કરી શકે તેવા બિન-જરૂરી રિટેલ વ્યવસાયોને આગામી ત્રણ અઠવાડિયામાં બિઝનેસ ખોલવા ફરીથી તૈયારી શરૂ કરવા જણાવ્યું છે.
નોર્ધર્ન આયર્લેન્ડમાં છ લોકોનુ જૂથ બહાર મળી શકશે. જો તેનો ટ્રાન્સમિશનનો દર એકથી નીચે રહેશે તો આઉટડોર રમતગમત સુવિધાઓ, કાર શોરૂમ્સ અને કેટલીક બિન-આવશ્યક શોપ્સ ફરીથી ખોલવા સહિતના વધુ પ્રતિબંધોને હળવા કરવાનું આયોજન છે. વધુમાં વધુ 10 લોકોના આઉટડોર વેડીંગને મંજૂરી આપવામાં આવશે.
નેશનલ ટ્રસ્ટ ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 29 પાર્ક અને પાર્કલેન્ડ્સ પ્રી-બુક ટિકિટો ધરાવતા લોકો માટે ખોલવામાં આવ્યા છે. જેમાં સામાન્ય કરતા ત્રીજા ભાગના લોકોને જ મંજૂરી આપવામાં આવશે. જો કે વેલ્સમાં પાર્ક બંધ રહેશે.
સોમવાર તા. 8 જૂનથી ઇંગ્લેન્ડમાં ડેન્ટલ પ્રેક્ટિસને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. ડેન્ટીસ્ટ સર્જરીએ ચેપ નિવારણ અને ચેપના નિયંત્રણની જરૂરિયાતો, વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો અંગે તકેદારી રાખવાની રહેશે. શરૂઆતના દિવસોમાં તાત્કાલિક જરૂરિયાતવાળા દર્દીઓ અને સંવેદનશીલ દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
યુકેમાં આવનારા લોકોએ 14 દિવસ માટે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડશે. મુસાફરોએ ક્યાં ક્વોરેન્ટાઇનમાં રહેવાના છે તે સરકારને જણાવવું પડશે અને તેમનુ રેન્ડમ સ્પોટ ચેક કરાશે અને વિફળ રહેનારને £1,000નો દંડ કરાશે.
સોમવાર તા. 15 જૂનથી કપડાં, પગરખાં, રમકડાં, ફર્નિચર, પુસ્તકો અને ઇલેક્ટ્રોનિક્સ, ઉપરાંત ટેલર, ઓક્શન હાઉસીસ, ફોટોગ્રાફી સ્ટુડિયો અને ઇન્ડોર મોલની દુકાનો તેમ જ અન્ય બિન-જરૂરી દુકાનો ખોલવા મંજૂરી અપાશે. કામદારો અને ટ્રેડ યુનિયનોની સલાહ અને રીસ્ક એસેમેન્ટ માટે પછી જ દુકાનો ખોલવા દેવાશે. સેકન્ડરી સ્કૂલો જીસીએસઇ અને એ-લેવલની તૈયારી કરતા અનુક્રમે યર 10 અને યર 12ના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે. પરંતુ જૂથના માત્ર ચોથા ભાગના લોકો ભાગ લે તેવી સંભાવના છે. જ્હોન લુઇસ કિંગ્સ્ટન, પૂલ, ડોર્સેટના સ્ટોર્સ ખોલશે અને બીજા 11 સ્ટોર્સ તા. 18ના રોજ ખોલશે અને બાકીના ઉનાળામાં ખોલશે.
પ્રીમિયર લીગ ફૂટબોલ મેચો સરકારની મંજૂરીને આધિન રમાડવામાં આવશે. એસ્ટન વિલા અને શેફીલ્ડ યુનાઇટેડ તેમજ માન્ચેસ્ટર સિટી અને આર્સેનલ વચ્ચેની મેચોનો ફરીથી પ્રારંભ થશે અને ત્યારબાદ 19થી 21 જૂનના વિકેન્ડમાં ફિક્સરનો સંપૂર્ણ રાઉન્ડ રમવામાં આવશે. પરંતુ સ્ટેડીયમમાં કોઇ દર્શકો હશે નહિ અને તેનુ સ્કાય સ્પોર્ટ્સ, બીટી સ્પોર્ટ, બીબીસી સ્પોર્ટ અથવા એમેઝોન પ્રાઇમ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ગુરૂવાર તા. 18 જૂનના રોજ લોકડાઉનની સમીક્ષા કરાશે અને યુકે સરકાર દર ત્રણ અઠવાડિયે લોકડાઉન પ્રતિબંધોની સમીક્ષા કરવા માટે બંધાયેલી છે.