ગુજરાતમાં હવે લોકડાઉનના નિયંત્રણોને હળવા કરવાની દિશામાં સરકાર આગળ વધવા ઇચ્છી રહી હોય તેમ ધીમે ધીમે કોરોના સંક્રમણની વિગતોને અમલી જામા પહેરાવી સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવી ગઇ હોવાની આલબેલ પોકારી રહી છે.
પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં ૩૪૩૯ આરટીપીસીઆર ટેસ્ટ થકી નવા ૩૭૨ ચેપગ્રસ્તોને શોધવામાં આવ્યા છે બીજી તરફ સારવાર હેઠળના વધુ ૨૦ દર્દીના અવસાન થયાં છે. રાજ્યમાં કોરોનાના સંક્રમિતોને શોધવા માટે શરૂ થયેલા ટેસ્ટનો આંક ૨૪ કલાકમાં વધુ ૩૪૩૯ ટેસ્ટ સાથે ત્રણ મહિનામાં ૨,૦૧,૪૮૭ સુધી પહોંચ્યો છે, જેનાથી સરેરાશ ૮ ટકા જેટલા પોઝિટિવ દર્દી મળ્યા છે.
આ સંજોગોમાં રોજેરોજ ત્રણસોથી વધુ કેસ અને વીસથી વધારે મૃત્યુની સ્થિતિ જોતાં લોકડાઉન-૪ના અંત પહેલાં કુલ કેસનો આંક ૧૬૦૦૦ને વટાવી જશે અને સાથોસાથ મૃત્યું આંક એક હજારને પાર કરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલ કુલ કેસ ૧૫૯૪૪ છે. કુલ મૃત્યું આંક ૯૮૦ સુધી પહોંચ્યો છે.
આ ઉપરાંત ૮૬૦૯ ડિસ્ચાર્જ થતાં હવે એક્ટિવ કેસ ૬૩૫૫ રહ્યા છે એમાંથી ૬૮ વેન્ટીલેટર ઉપર તેમજ ૬૨૮૭ સ્ટેબલ છે. રાજ્યના અન્ય જિલ્લાઓ, મહાનગરોમાં જોઇએ તો સુરતમાંથી ૪૫ નવા કેસ મળ્યા છે જે મોટાભાગે મહાનગરમાંથી મળ્યા છે અને બે દર્દીના અવસાન થયાં છે.
વડોદરમાં વધુ ૩૪ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર મળી કુલ ૮ કેસ ઉમેરાયા છે. મહેસાણા અને છોટાઉદેપુરમાં એક સાથે ૭-૭ નવા કેસ નોંધાયા છે. કચ્છમાં આયાતીના કારણે વધુ ૪ કેસ ઉમેરાયા છે, નવસારીમાં બે તેમજ બનાસકાંઠા, રાજકોટ, અલવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર તેમજ અન્ય રાજ્યના એક-એક કેસ ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ મહાનગરમાં ૨૩૬ કેસ અને ૧૬ મૃત્યું ઉમેરાયા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાંથી મોટાભાગના કેસ આવ્યા છે આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાંથી રોજ નવા કેસ મળી રહ્યા છે. અલબત્ત, મોટાભાગના મૃત્યું અમદાવાદ મધ્ય અને પૂર્વ વિસ્તારમાંથી થયા છે.આ ઉપરાંત અમદાવાદને ફરતે આવેલા કણભા, કોઠ, ધોળકા, ધંધૂકા, ધોલેરા અને સાણંદમાં મળી સત્તર નવા કેસ મળી આવ્યા છે જ્યારે વિરમગામ તથા કણભામાં એક એક દર્દીના અવસાન થયાં છે. કણભામાં ગોકુલ આનંદ સોસાયટીમાંથી ચાર કેસ મળ્યા છે એમાં એક પુરુષનું મૃત્યું થયું છે.
કણભાને અડીને આવેલા સીંગરવામાંથી એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો મોડાસર ગામના બે યુવાનો સંક્રમિત મળ્યા છે. ધંધૂકાના ખારડ ગામમાંથી, ધોલેરામાંથી એક કેસ મળ્યા છે. ધોળકાન કોઠ ગામમાંથી બે મળી કુલ પાંચ કેસ અને સાણંદમાંથી એક પોઝિટિવ કેસ મળ્યો છે. વિરમગામના એક વ્યક્તિનું નિધન થયું છે. આમ, અમદાવાદ શહેર-જિલ્લાનો કુલ આંક ૧૧૫૯૭ થયો છે જ્યારે મૃત્યું આંક ૭૯૮ સુધી પહોંચી ગયો છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાંથી કુલ આઠ કેસ નોંધાયા છે એમાં ખોરજ ગામનો ૪૦ વર્ષનો યુવાન, માણસા તાલુકાના બદરપુરાનો ૨૦ વર્ષનો યુવાન, કલોલ તાલુકાના ધમાસણાના એક વૃદ્ધ, કલોલ શહેરમાંથી એક આધેડના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ ઉપરાંત દહેગામ, ગાંધીનગર અને કલોલ તાલુકામાંથી કુલ ચાર નવા કેસ ગઇકાલે સાંજે નોંધાયા હતા. રાજકોટમાં હવે જેતપુર તાલુકાના રેસમડી ગલોલ ગામમાંથી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ છોટાઉદેપુરમાં એક સાથે ૭ પોઝિટિવ કેસ ઉમેરાયા છે.
કાંકરકુંડ ગામમાંથી પાંચ અને ધમોડીમાંથી બે દર્દીઓ મળ્યા છે. કચ્છમાં એક જ પરિવારના ચાર સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભરૂચ જિલ્લમાં અંકલેશ્વર તિર્થનગરમાં છ વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પરિવાર લોકડાઉન હળવું થતાં અમદાવાદથી પરત ફર્યું હતું.