ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત પાસેથી 2021માં યોજાનારા ટી 20 વર્લ્ડ કપની યજમાની છીનવી લેવાની ધમકી આપી છે.આઈસીસી અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે લાંબા સમયથી ટેક્સમાં છૂટ આપવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
આઈસીસીની માંગણી છે કે, ભારતનુ ક્રિકેટ બોર્ડ ભારત સરકાર પાસેથી વર્લ્ડકપ માટે ટેક્સમાં રાહત અપાવે.જો સરકાર ટેક્સમાં રાહત નહી આપે તો આઈસીસીને 757 કરોડ રુપિયાનુ નુકસાન સહન કરવુ પડશે.
જે માટે આઈસીસી તૈયાર નથી. એટલે આઈસીસી દ્વારા આ મુદ્દે સરકારને રજૂઆત કરવા ભારતના ક્રિકેટ બોર્ડ પર દબાણ કરાઈ રહ્યુ છે. આ પહેલા પણ ભારતમાં 2016માં ટી 20 વર્લ્ડ કપ યોજાયો ત્યારે આઈસીસીને 3 કરોડ ડોલરનુ નુકસાન સહન કરવુ પડ્યુ હતુ. કારણકે ક્રિકેટ બોર્ડે સરકાર પાસે ટેક્સમાં છુટ આપવાની પરવાનગી લીધી નહોતી.
આઈસીસી આ પહેલા પણ ભારતને કહી ચુક્યુ છે કે, 20201ના ટી 20 વર્લ્ડકપ અને 2023ના વન ડે વર્લ્ડકપની યજમાની જોઈતી હોય તો ટેક્સમાં રાહત માટે સરકારની પરવાનગી ભારતે લેવી જ પડશે.છેલ્લા બે મહિનાથી આ મુદ્દે બંને સંસ્થાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
આઈસીસીએ ક્રિકેટ બોર્ડ પાસે 18 મે સુધીમાં જવાબ માંગ્યો હતો. જોકે ભારતનો આગ્રહ હતો કે, જવાબ આપવાનો સમય 30 જુન સુધીનો કરવામાં આવે પણ આઈસીસી આ માટે તૈયાર નથી. આઈસીસી કહી ચુક્યુ છે કે, 18 મે સુધીમાં જો ભારત જવાબ નહી આપે તો ભારતની યજમાની રદ કરાઈ શકે છે.