કોરોના વાઇરસના સંક્રમણની વૈશ્વિક સ્થિતિમાં વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા 1958 જેટલા ગુજરાતીઓને ‘વંદે ભારત’ મિશન હેઠળ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, કોરોનાની મહામારીમાં અન્ય દેશોમાં અભ્યાસ કરવા ગયેલા અને ત્યાં અટવાઇ ગયેલા વિદ્યાર્થીઓને પોતાના વતનમાં પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા વંદેભારત મિશન શરૂ કર્યું છે. સાથે વેપાર- વાણિજ્ય કે પ્રવાસે ગયેલા ગુજરાતી મૂળના લોકોને પણ વતન પરત લાવવામાં આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં વિશેષ ફ્લાઇટ દ્વારા યુએસએથી 135, કુવૈતથી 146, ફિલિપાઇન્સથી 155, યુકેથી 303, મલેશિયાથી 48, ઇન્ડોનેશિયાથી 38, ઓસ્ટ્રેલિયાથી 217, કેનેડાથી 176 મળીને કુલ 1958 લોકો ગુજરાત પરત ફર્યા છે. મિશનના બીજા તબક્કામાં યુએઇ, ઓમાન, કતાર, કુવૈત, યુકે અને યુએસએથી વધુ ફ્લાઇટ 29 મેથી 9 જૂન સુધીમાં આવશે, જેમાં વધુ 1869 ગુજરાતીઓ પોતાના વતનમાં પરત આવશે.