ભારતમાં કોરોનો વાઇરસનો ફેલાવો વધતા કેન્દ્ર સરકારે લોકડાઉન અમલમાં મૂક્યું હતું. આથી ભારતમાં 176 પાકિસ્તાનીઓનું એક ગ્રુપ ત્યાં ફસાઇ ગયું હતું. આ તમામને 27 મે ના રોજ અટારી-વાઘા બોર્ડરથી વતન પાછા મોકલાયા છે.
20 માર્ચથી અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં ફસાયેલા 400થી વધુ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવ્યા છે. આ પાકિસ્તાની નાગરિકો છત્તીસગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ફસાયા હતા. અટારી-વાઘા બોર્ડર બંધ થતાં આ તમામ પાકિસ્તાન જઇ શક્યા નહોતા.
આ પાકિસ્તાનીઓને સુરક્ષિત રીતે પરત મોકલવા વડાપ્રધાને આદેશ કર્યા હતા. ત્યાર પછી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશન ભારતના વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં હતું. હાઇ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ભારતના વિવિધ 20 શહેરોમાં ફસાયેલા પાકિસ્તાની નાગરિકોને અટારી લઇ જવા માટે તમામ વ્યવસ્થા અને સંકલન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ભારતમાં ફસાયેલા તમામ પાકિસ્તાનીઓ સ્વદેશ પરત નહીં પહોંચે ત્યાં સુધી આવા તમામ પ્રયાસ પાકિસ્તાન તરફથી કરવામાં આવશે.