દેશમાં બે મહિનાના લાંબા લોકડાઉન બાદ સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ આંશિક રીતે શરૂ કરવામાં આવી છે. સોમવારે, 25 મેના રોજ 428 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ હતી, જ્યારે 730થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ હતી.
કોરોનાના રોગચાળાના કારણે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવા માટે કેટલાક રાજ્યો આતુર ન હોવાથી કેન્દ્ર સરકારની રવિવારે મોડી રાતની જાહેરાતના કારણે સોમવાર દેશમાં અંદાજે ૬૩૦ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી.
કેન્દ્રે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં કોઇ પણ ફ્લાઈટનું સંચાલન નહીં થાય અને મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ જેવા મોટા એરપોર્ટ પર મર્યાદિત પ્રમાણમાં જ કામગીરી શરૂ થશે તેવી જાહેરાત કરી હતી. સિવિલ એવિએશન વિભાગના કડક નિયંત્રણો હેઠળ દિલ્હીથી પૂણે માટે વહેલી સવારે ૪.૪૫ વાગ્યે સૌપ્રથમ ફ્લાઈટ રવાના થઈ હતી. વધુમાં મુંબઈથી પટના માટે પહેલી ફ્લાઈટ સવારે ૬.૪૫ વાગ્યે રવાના થઈ હતી.
સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ પુરીએ જણાવ્યું હતું કે સોમવારે 428 ફ્લાઈટ્સ રવાના થઈ હતી. સૂત્રો મુજબ ડોમેસ્ટિક વિમાની સેવા શરૂ થવાની જાહેરાત પછી ૨૨મી મેએ સોમવાર માટે ૧૧૦૦ ફ્લાઈટ્સના બૂકિંગ શરૂ થયા હતા.
દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ ધરાવતા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવા રાજ્યો સ્થાનિક સ્તરે કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી ડોમેસ્ટિક વિમાની સેવા માટે તેમના એરપોર્ટ્સ ખોલવા આતુર નથી. અંધાધંૂધીની હદ તો એ હતી કે મિનિસ્ટરે કેટલી ફલાઈટ્સ ઓપરેટ થઈ તેના આંકડા ત્રણવાર સુધારવા પડ્યા હતા.
પશ્ચિમ બંગાળ સરકારે જણાવ્યું હતું કે તેના એરપોર્ટ્સ પર સોમવારના બદલે ગુરુવાર, 28 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સને ક્રમશઃ મંજૂરી આપવામાં આવશે.આંધ્ર પ્રદેશ સરકારે પણ સોમવારે કોઈ ફ્લાઈટ્સને સંચાલનની મંજૂરી આપી નહોતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે એરલાઈનની ફ્લાઈટ્સમાં અંદાજે ૨૦,૦૦૦ લોકોએ પ્રવાસ કર્યો હતો.
સ્પાઈસજેટે જણાવ્યું હતું કે તેની પ્રથમ ફ્લાઈટ્ અમદાવાદથી સવારે ૬.૦૫ વાગ્યે ઉપડી હતી, જે દિલ્હી સવારે ૭.૧૦ વાગ્યે પહોંચી હતી.
તેણે સોમવારે વિવિધ રૂટ ઉપર ૨૦ ફ્લાઈટ્સનું સંચાલન કર્યું હતું. જોકે, અનેક ફ્લાઈટ્સ રદ થવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓએ હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. અનેક પ્રવાસીઓએ ફ્લાઈટ્સ રદ થવા અંગે તેમને કોઈ માહિતી નહીં મળી હોવાની ફરિયાદો કરી હતી. સેંકડો પ્રવાસીઓને એરપોર્ટ પર પહોંચ્યા પછી માહિતી અપાઈ કે તેમની ફ્લાઈટ્સ રદ થઈ છે.
ક્વોરન્ટાઇન થવાની બીક
કર્ણાટક, પંજાબ, હરિયાણા, કેરળ જેવા અનેક રાજ્યો દ્વારા ઘડવામાં આવેલા નિયમ પ્રમાણે અન્ય રાજ્યથી ફ્લાઇટમાં આવતા ડોમેસ્ટિક મુસાફરોને ૭ થી ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇ રાખવામાં આવશે. આ ક્વોરન્ટાઇન થવાના કારણે મોટાભાગના મુસાફરોએ હાલ પૂરતી મુસાફરી ટાળવાનો નિર્ણય લીધો હતો. હાલ એવા જ મુસાફરો ફ્લાઇટથી મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે જેઓ લોકડાઉન બાદ પોતાના વતનથી અટવાઇ ગયા છે.