અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ સતત વધતો જાય છે. અમેરિકાએ ચીનની ૩૩ કંપનીઓને બ્લેક લિસ્ટ કરી હતી. આ કંપનીઓ હવે અમેરિકાની ટેકનોલોજીનો એક્સેસ મેળવી શકશે નહીં. ચીને પણ અમેરિકાની કંપનીઓને બ્લેક લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાની મહામારી વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે પણ તંગદિલી વધી ગઈ છે. કોરોનાનો ફેલાવો ચીને કર્યો તે મુદ્દે અમેરિકા ચીનને પાઠ ભણાવવાના મૂડમાં છે. અમેરિકાએ ચીની કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. શિનજિયાંગ પ્રાંતમાં માનવ અધિકારનો ભંગ કરવા બદલ ચીની કંપનીઓને અમેરિકાએ બ્લેક લિસ્ટ કરી છે. આ કંપનીઓ હવે અમેરિકાની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે નહીં. એમાં ૯ યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટે ચીની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હોવાની જાહેરાત કરી હતી.
અમેરિકાના આ નિર્ણય પછી ઘણી સંસ્થાઓ અને નિષ્ણાતોએ આ પગલાંની ટીકા કરી હતી. ક્યુહો૩૦૦ નામની કંપનીએ અમેરિકાના આ પગલાંને રાજનૈતિક અને ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું. ચીનના પૂર્વ વાણિજ્ય મંત્રીએ ચીન-અમેરિકા વચ્ચે આ નવું ટેકનોલોજી વોર શરૂ થયું છે, જેની લાંબાં સમય સુધી અસર રહેશે. ચીન પણ જવાબી કાર્યવાહી કરીને અમેરિકી કંપનીઓને બ્લેક લિસ્ટ કરશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકા વધુ એક કોલ્ડવોર માટે કારણભૂત બનશે. અમેરિકા ચીન સાથે સંઘર્ષમાં ઉતરીને દુનિયાને કોલ્ડવોરમાં ધકેલે છે. અમેરિકા જો આવા પગલાં ભરતું રહેશે તો ચીન પણ તેનો ટૂંક સમયમાં જવાબ આપશે. ચીને અમેરિકન કંપનીઓ સામે કાર્યવાહીનો સંકેત આપ્યો હતો.
સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં કહેવાયું હતું કે ચીન યાદી જાહેર કરીને અમેરિકાને તેનો જવાબ આપશે. અખબારે સરકારી અધિકારીઓને ટાંકીને લખ્યું હતું કે ચીન એપલ અને ક્વાલકોમ જેવી કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકી દેશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ સરકાર દ્વારા સંચાલિત હુઆવેઈ ઉપર પણ પ્રતિબંધ હટાવવાને બદલે આકરો કર્યો હતો તે પછી પણ ચીને અમેરિકન કંપનીઓ ઉપર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી.