કોરોનાવાઈરસના રોગચાળા અને તેના પગલે મુકાયેલા પ્રવાસ નિયંત્રણોના પગલે હાલમાં યુકેમાં અટવાઈ ગયેલા ભારતીય તેમજ યુરોપિયન યુનિયન સિવાયના દેશોના નાગરિકોના વિસાની મુદત બોરિસ જ્હોન્સન સરકારે 31મી જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ, આ વિસાની મુદત 31મી મે સુધી લંબાવાઈ હતી, પણ એ પછી યે મોટી સંખ્યામાં લોકો અટવાયેલા છે. સરકારે આ નિર્ણયની જાહેરાત શુક્રવારે (22 મે) કરી હતી. ભારત સરકાર દ્વારા સંચાલિત કરાયેલી સ્પેશિયલ ફલાઈટ્સમાં અત્યાર સુધીમાં 2,000થી વધુ ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે.
જે વિદેશીઓના વિસા 24 જાન્યુઆરીએ કે એ પછી પુરા થઈ ગયા હોય અથવા તો ટુંક સમયમાં પુરા થવામાં હોય તેમને આ લંબાયેલી મુદત લાગું પડશે. જે વિદેશીઓ વિઝિટર વિસા કે એવા ટેમ્પરરી વિસા ઉપર યુકે આવ્યા હોય તેઓએ શક્ય એટલું વહેલામાં વહેલી તકે અને સલામત હોય ત્યારે પોતાના દેશ પરત ફરવું જરૂરી છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ નિર્ણયની જાણ કરતાં જણાવ્યું હતું કે, “અમે વિદેશીઓના વિસા આ રીતે લંબાવીને તેમને માનસિક રીતે શાંતિ આપી રહ્યા છીએ કે તેઓ આ દેશમાંથી સલામત રીતે પાછા ફરી શકે તેમ ના હોય તો જુલાઈના અંત સુધી તેમનું રોકાણ લંબાવી શકે છે.”
આ કપરા કાળમાં લોકોને સપોર્ટ કરવા સરકારે લીધેલા સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાઓમાંનું આ એક પગલું છે. હોમ ઓફિસમાં એક ડેડિકેટેડ કોરોનાવાઈરસ ઈમિગ્રેશન ટીમ કાર્યરત છે, જે લોકો માટે આ પ્રક્રિયા શક્ય એટલી સરળ બનાવવા કામ કરી રહી છે. જેમને જરૂરત હોય તેવા તમામ લોકોએ એક ઓનલાઈન ફોર્મ સાથે આ ટીમનો સંપર્ક કરી તેમને જાણ કરવાની છે કે તેમના વિસાની મુદત પુરી થઈ ગઈ છે. તેમને વિસાની મુદત લંબાવી આપવામાં આવશે અને જે લોકોએ હોમ ઓફિસનો સંપર્ક કર્યો હશે, તેમની સામે એ સમયગાળા દરમિયાન કોઈ ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એક્શન નહીં લેવાય.
આ ઉપરાંત, હોમ ઓફિસે “ઈન-કન્ટ્રી સ્વિચિંગ”ની જોગવાઈઓનો અમલ પણ 31મી જુલાઈ સુધી લંબાવ્યો છે, જેના થકી લોકો યુકેમાં રહીને જ લાંબા ગાળાના વિસા માટે સ્વિચ કરવાની અરજી કરી શકે છે. હાલમાં પ્રવર્તમાન સેલ્ફ-આઈસોલેશન તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને ધ્યાનમાં લેતાં, વિસા સ્પોન્સર કરનારા લોકો માટેની પણ અનેક જરૂરિયાતોમાં હોમ ઓફિસ દ્વારા છુટછાટો આપવામાં આવી રહી છે, જે મુજબ યુરોપિયન યુનિયન સિવાયના દેશોના નાગરિકો જે અહીં વર્ક કે અભ્યાસ માટે આવ્યા હોય તેઓ પોતાનું વર્ક કે અભ્યાસ ઘેરબેઠા કરી શકશે.