ભારતમાં કોરોના દર્દીઓનો આંકડો 1 લાખ 18 હજારથી વધારે થઇ ગયો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ અનુસાર, હાલ કુલ દર્દીઓની સંખ્યા 1,18,447 સુધી પહોંચી છે. તેમાંથી 3583 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. રાહતની વાત છે કે કોરોનાને હરાવનાર લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 48,534 લોકો ઠીક થઇ ચુક્યા છે.
છેલ્લા 24 કલાકમાં 6088 નવા કેસ સામે આવ્યા છે અને 148 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા કેટલાય દિવસથી દર્દીઓની સંખ્યા દરરોજ 5 હજારનો આંકડો પાર કરી રહી છે. બુધવારે પણ 5611 નવા કેસ તો ગુરુવારે 5609 નવા કેસ સામે આવ્યા હતા. અત્યારે દેશમાં 66,330 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે 41,642 કેસ છે, છેલ્લા 24 કલાકમાં અહીં 2345 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ 12,910 કેસ છે, અહીં 24 કલાકમાં 371 કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં ગુજરાતથી વધારે કુલ 13,967 કેસ નોંધાયા છે, અહીં 24 કલાકમાં 776 નવા કેસ સામે આવ્યા છે.
દિલ્હીમાં દર્દીઓની સંખ્યા 11,659 સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં 194 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 5567 લોકો સાજા થઇ ચુક્યા છે. રાજસ્થાનમાં કોરોના દર્દીઓનો આંકડો 6227 છે. અહીં અત્યાર સુધીમાં 151 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે મધ્યપ્રદેશમાં કુલ દર્દીઓની સંખ્યા 5981 છે, જેમાંથી 270 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.