ફોરેન અને કોમનવેલ્થ ઑફિસે સોમવારે તા. 11ના રોજ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ ઓછામાં ઓછા 30,000 બ્રિટિશ મુસાફરોને 27 દેશોમાંથી 142 વિશેષ ફ્લાઇટ્સ દ્વારા યુકે પરત લવાયા હતા. 8 એપ્રિલથી ભારતમાં ફસાયેલા ઓછામાં ઓછા 13,500 બ્રિટિશ નાગરિકોને 58 ફ્લાઇટ્સ દ્વારા પરત લવાયા હતા અને 30,000મો મુસાફર શનિવારે પંજાબના અમૃતસરથી પરત આવ્યો હતો. પાકિસ્તાનથી 4,000, દક્ષિણ આફ્રિકાથી 2,000, બાંગ્લાદેશથી 1,600 અને ન્યુઝીલેન્ડથી 1,500 લોકો પરત ફર્યા હતા.
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે “અમે કોમર્શીયલ ફ્લાઇટ્સ પર 1.3 મિલિયન લોકોને પાછા ફરવામાં મદદ કરી છે. અમે વિશ્વભરમાંથી સંવેદનશીલ બ્રિટીશ નાગરીકોને ઘરે પાછા સલામત આવવા મદદ કરી હતી. સરકારે આ માટે વિશેષ ચાર્ટર ફ્લાઇટ્સ માટે £75 મિલિયનનું ભંડોળ ફાળવ્યુ છે.
એક નોંધપાત્ર કિસ્સામાં તો ભારતમાં બ્રિટીશ હાઈ કમિશનના સ્ટાફે બ્રિટિશ નાગરિકને યુકે મોકલવા સાત રાજ્યોની 60 કલાકની 1,700 માઇલ લાંબી સફરનું આયોજન કર્યું હતું. અન્ય પ્રયત્નોમાં મડાગાસ્કરના દૂરના ભાગમાંથી સ્વયંસેવકોના એક જૂથને બચાવવામાં આવ્યુ હતુ. તો બ્રિટિશ ગુરખાઓ દ્વારા નેપાળના પર્વતોથી એક પર્વતારોહકને અને દક્ષિણ અમેરિકાથી બેકપેકર્સને ઘરે લવાયા હતા.
યુકેના કેટલાક રહેવાસીઓ વંદે ભારત મિશનના ભાગ રૂપે વિવિધ ભારતીય શહેરોમાંથી એર ઇન્ડિયા ફ્લાઇટ્સનો ઉપયોગ કરી પરત ફરી રહ્યા છે. જે ફ્લાઇટ્સ બ્રિટનમાં અટવાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભારત સરકાર દ્વારા મોકલવામાં આવી રહી છે.