બ્રિટનમાં વસતા શ્યામ, એશિયન માઇનોરીટી એથનિક (BAME) લોકોના કોવિડ-19ના કારણે થઇ રહેલા અપ્રમાણસર મરણ અંગે વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સ્વતંત્ર તપાસનો સમનો કરવા માટે ભારે દબાણનો સામનો કરી રહ્યા છે.
બ્રિટનમાં જાતિ અને આરોગ્યની અસમાનતાઓની વિસ્તૃત તપાસ કરવા માટે વડા પ્રધાનને ડોરીન લૉરેન્સ અને લેખક માલોરી બ્લેકમેન સહિતના સેંકડો લોકોએ લખેલા પત્રમાં હસ્તાક્ષર કરનારા લોકોમાં લંડનના મેયર સાદિક ખાન પણ જોડાયા છે. UBELE ઇનીશીએટીવ દ્વારા આયોજિત ગઠબંધને દાવો કર્યો હતો કે સરકારની હાલની સમીક્ષા મર્યાદિત છે અને તેમાં પારદર્શિતા નથી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર, શ્યામ પુરુષો અને સ્ત્રીઓ શ્વેત પુરુષો અને સ્ત્રીઓ કરતા કોરોનાવાયરસના કારણે વધુ પ્રમાણમાં મરણ પામે છે. BAME સમુદાયો પર કોરોનાવાયરસની અસર તીવ્ર બની છે. શુક્રવારે, ઇન્ટેન્સિવ કેર નેશનલ ઓડીટ એન્ડ રીસર્ચ સેન્ટરે આપેલા અહેવાલ મુજબ યુકેની એકંદર વસ્તીમાં 19% હિસ્સો હોવા છતાં, ગંભીર રીતે બિમાર કોવિડ-19 દર્દીઓમાંથી 33% લોકો લઘુમતી પૃષ્ઠભૂમિના હતા. આ આંકડો 1 માર્ચથી સતત રહ્યો છે.
લંડનના મેયર ખાને જણાવ્યું હતું કે “આ રોગચાળો આપણા દેશ માટે જાગૃત થવાનો કોલ હોવો જોઈએ અને સરકારની વર્તમાન સમીક્ષા પૂરતી નથી. અમને એક વ્યાપક સ્વતંત્ર જાહેર તપાસની જરૂર છે જે આ સમસ્યાઓના મૂળમાં પહોંચશે. સમુદાયો યોગ્ય રીતે તેમાં જોડાયેલા છે તેની ખાતરી કરવા અને તેના તારણો પર વિશ્વાસ અને ભરોસો વધારવામાં મદદ કરવા માટે જાહેર પૂછપરછ મહત્વપૂર્ણ છે.”
આ પત્રમાં પૂછપરછને વિસ્તૃત કરવા હાકલ કરવામાં આવી છે, જેમાં BAME સ્ટાફને કરવા પડતા જોખમનો સામનો, એમ્પલોયરો તેમની કેરની ફરજ બજાવે તેમજ જ્યાં BAME સમુદાયની નોંધપાત્ર વસ્તી છે તેવા ક્ષેત્રમાં ભંડોળના સ્તરની તપાસ કરવા માંગણી કરી છે.
સાદિક ખાને ઇક્વાલીટી અને હ્યુમન રાઇટ્સ કમિશન (EHRC)ના અધ્યક્ષને પણ પત્ર લખી જણાવ્યુ છે કે BAME લોકોના મૃત્યુ અને ગંભીર બીમારી અને તેના ખરાબ પરિણામો અંગેની તપાસ કરવાની કમિશનની “નૈતિક જવાબદારી” છે.
ચેપ અને મૃત્યુ પાછળના સામાજિક અને આર્થિક પરિબળો તથા શિક્ષણ, રોજગાર અને કલ્યાણ સહિતના તેના અન્ય પ્રભાવોને શોધી કાઢવા તેમજ કોવિડ-19ની લંડનવાસી BAME સમાજના લોકો પર પડેલા પ્રભાવની સમજને સુધારવા માટે સિટી હોલ ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ પણ કરી રહ્યું છે.
UBELE ઇનિશિયેટિવના ચીફ એક્ઝિક્યુટિવ, યોવોન ફીલ્ડે કહ્યું હતુ કે “બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી હોનારતને સરકાર સંભાળી રહી છે, જેના કારણે સમુદાયોને દેશભરમાં અસર થઇ છે. અમે લંડનના મેયરે ઇન્ડીપેન્ડન્ટ પબ્લિક ઇન્કવાયરી માટે વધતા જતા કૉલને ટેકો આપ્યો તેને આવકારીએ છીએ. આ નિષ્ફળતાનો હિસાબ સરકારે આપવો પડશે.” પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ડૉ. કેવિન ફેન્ટનની આગેવાની હેઠળ કરાયેલ રિવ્યુ મહિનાના અંતમાં પ્રકાશિત થવાનો છે.