મહામારી કોરોનાને પગલે વિશ્વના મોટાભાગના દેશમાં હાલ પેસેન્જર એરક્રાફ્ટની ઉડાન સ્થગિત કરવામાં આવેલી છે. હવે ભારત સહિત વિશ્વના અનેક દેશો કેટલાક રૃટ પર ફરી ફ્લાઇટ શરૃ કરવા વિચારણા કરી રહ્યા છે.
પરંતુ ફ્લાઇટ શરૃ કરવામાં આવે તો કોરોનાના કેસમાં તોતિંગ વધારો નોંધાઇ શકે છે. આ ઉપરાંત વિશ્વના જે ૧૦ એરપોર્ટમાં કોરોનાનું ંસંક્રમણ થવાની સંભાવના સૌથી વધુ છે તેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ થાય છે.
તાજેતરમાં હાથ ધરાયેલા એક વૈશ્વિક સર્વેક્ષણમાં વિશ્વના કયા એરપોર્ટથી કોરોનાનું સંક્રમણ સૌથી વધુ ફેલાઇ શકે છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ૨૦માંથી ૧૫ એરપોર્ટ માત્ર ભારતના જ છે. કોરોનાનું સંક્રમણ જ્યાંથી ફેલાવવાની શક્યતા જ્યાં સૌથી વધુ છે તેમાં નવી દિલ્હી એરપોર્ટ ૦.૪૯૬ પોઇન્ટ મુંબઇ ૦.૪૪૬ અમદાવાદ એરપોર્ટ ૦.૧૦૦ પોઇન્ટ ધરાવે છે.
આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર વસતીની ગીચતા, વારંવાર ડોમેસ્ટિક પ્રવાસ કરતા મુસાફરોને કારણે ભારતમાં એરપોર્ટથી કોરોના સંક્રમણનો ફેલાવો થવાની સંભાવના વધી જાય છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફરજ બજાવતા ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાં સીઆઇએસએફના પાંચ અને એક ઇમિગ્રેશન ઓફિસરનો સમાવેશ થાય છે. આમ, અમદાવાદ એરપોર્ટના કર્મચારીઓમાં કોરોના સંક્રમણના આંકડા પણ ચિંતાનો વિષય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટ ખાતેથી પ્રારંભિક તબક્કામાં દિલ્હી, બેંગાલુરુ, કોલકાતા જેવા કેટલાક રૃટની જ ફ્લાઇટ શરૃ કરવામાં આવી શકે છે. ઇન્ટરનેશનલ રૃટ પર ફ્લાઇટ શરૃ કરવામાં હજુ ઘણો સમય લાગી શકે છે.
ટેલ એવિવ યુનિવર્સિટીના બે પ્રોફેસર દ્વારા વૈશ્વિક હવાઇ મુસાફરીના આંકડા દ્વારા આ સર્વેક્ષણ તૈયાર કરાયો છે. જેમાં કયા એરપોર્ટમાં ફ્લાઇટ શરૃ કરવાથી કોરોનાના કેસ કેટલા વકરી શકે છે તેની વસતીની ગીચતા ધ્યાનમાં લેવામાં આવેલી છે. આ અભ્યાસમાં તેમનું એમ પણ માનવું છે કે ઓક્ટોબરથી કોરોનાનો બીજો રાઉન્ડ શરૃ થઇ શખે છે.