દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ગાજવીજ સાથે હળવા વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બુધવારથી શુક્રવાર દરમિયાન હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યનું ચોમાસું હવે બંગાળની ખાડી, આંદમાન-નિકોબાર તરફ આગળ ધપ્યું છે. હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે.
દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, વલસાડ, નવસારીમાં સોમવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી બે દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. પરંતુ બુધવારથી શુક્રવાર દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટ વેવની સ્થિતિ રહેશે. ‘ આજે ૪૨.૫ ડિગ્રી સાથે ડીસા આજે રાજ્યનું ‘હોટેસ્ટ સિટી’ બની રહ્યું હતું. અમદાવાદમાં ૪૧.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૪૩ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી મંગળવારથી તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. રાજ્યના અન્ય શહેરમાંથી ડીસામાં ૪૨.૫, ગાંધીનગરમાં ૪૧, આણંદમાં ૪૦.૯, વડોદરામાં ૪૧, સુરતમાં ૩૯.૮, અમરેલીમાં ૪૧, ભાવનગરમાં ૪૦.૭, રાજકોટમાં ૩૯.૯, દીવમાં ૩૯, સુરેન્દ્રનગરમાં ૪૧.૩, કેશોદમાં ૩૮.૪, ભૂજમાં ૪૦.૨, નલિયામાં ૩૫.૨ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.