ઓઈલથી લઈને ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે શનિવારે જણાવ્યું હતું કે તેનો મેગા 53,125 કરોડનો રાઈટ ઈશ્યૂ 20 મેના ખુલશે અને 3 જૂનના બંધ થશે. ભારતના ધનકુબેર મુકેશ અંબાણીએ 30 એપ્રિલના રોજ જાહેરાત કરીને જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1:15ના રાઈટ ઈશ્યૂથી રૂ. 53,125 કરોડ એકત્ર કરશે. છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં કોઈ કોર્પોરેટ કંપનીનો આ સૌથી મોટો રાઈટ ઈશ્યૂ રહેશે.
આરઆઈએલના રાઈટ ઈશ્યૂમાં શેરધારકોની યોગ્યતા માટે અગાઉ 14 મે તારીખ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી હતી. આરઆઈએલના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની રાઈટ ઈશ્યૂ કમિટીએ 15 મેના રોજ મળેલી બેઠકમાં ઈશ્યૂ ખોલવાની તારીખ 20 મે તેમજ બંધ કરવાની તારીખ 3 જૂનને મંજૂર કરી હતી.
રિલાયન્સના વર્તમાન શેરધારકોને દરેક 15 શેર સામે એક રાઈટ શેર રૂ. 1,257ના ભાવે ઓફર કરાશે. રાઈટ શેરની પ્રાઈસ કંપનીના 30 એપ્રિલના બંધ શેર ભાવની તુલનાએ 14 ટકાનું ડિસ્કાઉન્ટ સુચવે છે. શુક્રવારે બીએસઈમાં આરઆઈલેનો શેર 1,458.90ના સ્તરે બંધ રહ્યો હતો.
રાઈટ ઈશ્યૂ દ્વારા રોકડ ખેંચ અનુભવતી કંપનીઓ પોતાના શેરધારકોને વધુ શેર ઓફર કરીને રોકડ એકત્ર કરે છે અને તેનો ઉપયોગ કંપનીના કામકાજમાં તેમજ ઋણબોજ ઘટાડવામાં કરે છે. શેરધારકોને આ શેર કંપનીના વર્તમાન બજારભાવ કરતા ઓછી કિંમત મળી શકે છે. જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝે ત્રણ દાયકામાં આ પ્રથમ રાઈટ ઈશ્યૂ લાવ્યો છે. કંપની પાસે 23.4 અબજ ડોલરની રોકડ છે. કંપની પોતાના શેરધારકોને વળતરના ભાગરૂપે રાઈટ ઈશ્યૂ યોજી રહી છે.
1991માં રિલાયન્સે કન્વર્ટિબલ ડીબેન્ચર ઈશ્યૂ કરીને જાહેર માર્ગેથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ કન્વર્ટિબલ ડિબેન્ચરને બાદમાં ઈક્વિટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 2021 સુધીમાં કંપનીને દેવા મુક્ત બનાવવાની યોજના ઘડી છે. જેને પગલે કંપની તેના તમામ વેપાર ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારો સાથે હાથ મિલાવી નવા રોકાણને આકર્ષી રહી છે.
માર્ચ ત્રિમાસના અંતે રિલાયન્સનું બાકી દેવું 3,36,294 કરોડ રહ્યું હતું. કંપની પાસેની રોકડ 1,75,259 કરોડ હોવાથી નેટ દેવું 1,61,035 કરોડ રહે છે. તાજેતરમાં રિલાયન્સની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ફેસબુક સહિતના ભાગીદારોને પોતાનો હિસ્સો વેચીને ભંડોળ એકત્ર કર્યું હતું.
આ ઉપરાંત સાઉદીની અરામકો સાથે પણ તેના ઓઈલટુ કેમિકલ બિઝનેસને 15 અબજ ડોલરમાં વેચવા વાટાઘાટ કરી રહી છે. કંપનીએ ફ્યુઅલ રિટેલ બિઝનેસ બીપી પીએલસીને 7,000 કરોડમાં વેચ્યો હતો તેમજ ટેલિકમ્યુનિકેશન ટાવર બિઝનેસ બ્રુકફિલ્ડને 25,200 કરોડમાં વેચ્યો હતો.