કોવિડ-19ને કારણે સારવાર મેળવવામાં વિલંબ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાનુ જોખમ થઈ શકે તેવી શક્યતાને પગલે પ્રયમરી કેરના એનએચએસ ડિરેક્ટર અને પ્રેક્ટિસિંગ જી.પી. ડૉ. નિકિતા કાનાણીએ લોકોને જરૂર પડે ત્યારે તબીબી સહાય લેવાની વિનંતી કરી છે. નવા આંકડા દર્શાવે છે કે દર દસમાંથી ચાર લોકો તેમના જી.પી. પાસેથી મદદ લેવા અંગે ચિંતિત છે.
‘હેલ્પ અસ હેલ્પ યુ’ અભિયાનને સમર્થન આપતા ડૉ. નિકિતા કાનાણીએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતુ કે ‘’દર્દીઓ કોરોનાવાયરસ રોગચાળાને કારણે મદદ માટે પૂછતા ખચકાતા હતા. મારી પોતાની જીપી પ્રેક્ટીસમાં અને દેશભરમાં અમે નોંધ્યું છે કે જે લોકોને કોરોનાવાયરસ નથી પરંતુ બીમારીના અન્ય લક્ષણો છે તેઓ મદદ માટે પૂછતા નથી. કેટલાક મુદ્દાઓની અવગણના કરવાથી ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે છે. તેથી અમે લોકોને વિનંતી કરીએ છીએ કે જો તેમને ડોક્ટરની મદદની જરૂર હોય તો તેમણે અવશ્ય માંગવી જોઇએ.”
એનએચએસ ઇંગ્લેંડના જણાવ્યા અનુસાર ‘’માર્ચ માસમાં એ એન્ડ ઇના વપરાશમાં વાર્ષિક ધોરણે 29 ટકાનો ઘટાડો થયો હતો. ડેટા મુજબ તો હાર્ટ એટેકની બીમારી ધરાવતો લોકોમાં પણ 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડાયાબિટીઝ રીવ્યુ અને મેટરનિટી એપોઇન્ટમેન્ટમાં પણ લોકોએ કોવિડ-19ના કારણે આવવાનુ ટાળ્યું હતું.’’
ડો. કાનાણીએ સલાહ આપી હતી કે ‘’જો કોઈ કટોકટી હોય તો લોકોએ 999નો સંપર્ક કરવો જોઈએ અથવા જો સલાહ આપવામાં આવે તો હોસ્પિટલમાં હાજર રહેવું જોઈએ. જો તાત્કાલિક જરૂર હોય તો જી.પી. અથવા 111 સેવાનો સંપર્ક કરવો જોઇએ. ઘણી બધી હેલ્થકેર સેવા બહુ દૂરથી પણ કરી શકાય છે. સંપર્કમાં રહેવું મહત્વપૂર્ણ છે. તેમાં વિલંબ કરવો ખરેખર જોખમી છે અને લોકોના સ્વાસ્થ્ય માટે લાંબાગાળાના જોખમ લાવી શકે છે.’’
ડૉ. કાનાણીએ જણાવ્યું હતું કે ‘’માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થવા સહિત લોકડાઉન ઉઠવી લેવાશે ત્યારે તબીબી પરિસ્થિતિઓમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. લોકો દ્વારા તેમના જી.પી.નો સંપર્ક નહિં કરાતા સ્થિતી વધુ બગડી શકે છે. જોકે, કેટલાક લક્ષણો તો કટોકટીના સંજોગોને લીધે પણ થઈ શકે છે. લોકો લાંબા સમય સુધી ઘરની અંદર રહ્યા હોવાથી અને સંભવત એકલા હોવાથી તેઓ વધુ બેચેન અથવા હતાશ થઈ શકે છે. અમારી સેવાઓ લોકડાઉન પછી લોકોની સંભાળ રાખવામાં સક્ષમ છે.”
આ રોગચાળા દરમિયાન, મોટાભાગના જીપીએ દર્દીઓ સાથે વાત કરવા માટે ટેકનીકનો ઉપયોગ કરવો પડ્યો હતો. રિમોટ અને ઑનલાઇન વાતચીતમાં વધારો થયો હતો અને મોટાભાગની પ્રેક્ટિસ હવે તેનો વધુ ઉપયોગ કરે છે.
સાઉથ ઇસ્ટ લંડનમાં જી.પી. તરીકે કાર્યરત ડૉ. કાનાણીએ જણાવ્યું હતું કે, ‘’દર્દીઓ અને સ્ટાફને સલામતી લાગતી હોય તો ડિજિટલ સંસાધનો ‘શક્તિશાળી’ છે. હું ખરેખર પ્રાયમરી કેરના કર્મચારીઓને અભિનંદન આપવા માંગુ છું જેઓ ખૂબ જ મુશ્કેલ સમયમાં કાર્યરત છે. હું માનુ છું કે લોકો હજી પણ ટેક્નોલોજીને લગતી જુદી જુદી રીતે કેર લેવા માંગે છે. મેડિકલ પ્રેક્ટીશનરનો ટેકનોલોજી વડે સંપર્ક કરવાનું લોકડાઉન પગલાં હળવા થયા પછી પણ ચાલુ રહી શકે છે.’’
ડૉ. કાનાણીએ સ્વીકાર્યું હતું કે “એનએચએસમાં BAME કામદારોને તેમના કુટુંબની સલામતી વિશે વાસ્તવિક ચિંતાઓ છે. એમ્પ્લોયરોએ જોખમનુ મૂલ્યાંકન કરવુ જોઇએ અને વંશીય કર્મચારીઓને જોખમ છે કે કેમ તે સમજવા વિનંતી કરી હતી. પુરાવા બહાર આવતા જ, અમે ખાતરી કરીશું કે અમારા હેલ્થ કેર વર્કરોને જરૂરી સપોર્ટ અને સુરક્ષા મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે સિસ્ટમ પર કામ કરવાનું ચાલુ રાખીશું.”