વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 45.25 કેસ નોંધાયા છે. ત્રણ લાખ ત્રણ હજાર 372 લોકોએ જીવ ગુમાવ્યા છે. 17 લાખ ત્રણ હજાર 808 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ બાદ નવો કેસ નોંધાયો છે. ચીનમાં છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. જોકે નવા કેસ નોંધાયા છે. વુહાનમાં શનિવારે 11 નવા કેસ નોંધાયા છે. હાલમાં જ વુહાનમાં તમામ નાગરિકની તપાસ કરાઈ રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ 13 મેના રોજ અહીં 76 હજાર લોકોની તપાસ કરાઈ હતી.

વુહાનમાં અત્યાર સુધીમાં 50 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 3869 લોકોના મોત થયા છે. અમેરિકાની વાત કરી એ તો અત્યાર સુધીમાં 14 લાખ 57 હજાર 593 કેસ નોંધાયા છે. 86 હજાર 912 લોકોના મોત થયા છે. 3 લાખ 18 હજારથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 27 હજાર 376 કેસ નોંધાયા અને 1779 લોકોના મોત થયા છે.અમેરિકાને કોરોના વાઈરસ કોવિડ-19થી સંક્રમિત બે હજાર લોકો ઉપર મેલેરિયાની દવા હોઈડ્રોક્લોરોક્વીનનું પરીક્ષણ શરૂ કર્યું છે.

સંક્રમણની દ્રષ્ટિએ સ્પેન બીજા નંબરે અને ફ્રાન્સ સાતમાં નંબરે છે. મૃત્યુઆંકની બાબતમાં ફ્રાન્સ સ્પેન કરતા આગળ નિકળી ગયું છે. ફ્રાન્સમાં 27 હજાર 425ના મોત થયા છે, જ્યારે સ્પેનમાં 27 હજાર 321ના મોત થયા છે.ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શુક્રવારે લોકડાઉનમાં રાહત અપાઈ છે. બીચ, પબ અને રેસ્ટોરાં ખોલવામાં આવી છે. અહીં 10 લોકોને ભેગા થવાની પરવાનગી છે. ઓસ્ટ્રેલિયામાં 7 હજાર 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ત્રણ હજાર એકલા સિડીનીમાં નોંધાયા છે. ઓસ્ટ્રેલિયામાં 98 લોકોના મોત થયા છે.

બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 944 નવા કેસ નોંધાયા છે, આ સાથે અહીં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 3 હજાર થઈ ગઈ છે. મૃત્યુઆંક 13 હજાર 993 થયો છે. બ્રાઝીલમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, છતાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ કહ્યું કે લોકડાઉનથી દેશ તૂટવાની સ્થિતિમાં છે. ઘણા રાજ્યોના ગવર્નર દ્વારા લગાવાયેલા પ્રતિબંધોથી બ્રાઝીલ ગરીબોનો દેશ બની રહ્યો છે.