ચાન્સેલર ઋષિ સુનકે માર્ચ મહિનામાં શરૂ કરાયેલી મલ્ટિ-બિલિયન પાઉન્ડની ફર્લો યોજનાને ઓક્ટોબર સુધી લંબાવી ફર્લો કરાયેલા તમામ કર્મચારીઓને 80 ટકા પગાર ચૂકવવાની જેહારાત કરી હતી. આ યોજના અંતર્ગત હાલમાં દર મહિને મહત્તમ £2,500 સુધી વેતનના 80% રકમની ચૂકવણી કરાય છે. સ્ટાફનો ખર્ચ વહેંચવા માટે બિઝનેસીસ પાર્ટ ટાઇમ કામ કરાવી શકશે અને મહિનાની અંત સુધીમાં વ્યવસ્થાઓની વધુ વિગતો જાહેર કરવામાં આવશે. ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન ફર્લો કરાયેલા કર્મચારીઓ પાર્ટ-ટાઇમ કામ પર પાછા આવી શકશે.
ચાન્સેલર સુનકે જણાવ્યું હતું કે, ‘’મલ્ટિ-બિલિયન પાઉન્ડની સબસિડી, જે આવતા મહિને સમાપ્ત થવાની હતી, તે વધુ ચાર મહિના માટે ચાલુ રાખવામાં આવી છે અને હજુ પણ મહિનાના £2,500 લેખે પગારના 80 ટકા વેતન આપવામાં આવશે. આ યોજના થકી મહિને £14 બિલીયનનો ખર્ચ થશે. જે NHSના બજેટની સમકક્ષ છે. પરંતુ આટલો મોટો ખર્ચો કાયમી ધોરણ પોસાય તેવો નથી. જે લોકો ફર્લો યોજના પર છે તે પોતાની મરજીથી આ યોજનામાં જોડાવા માંગતા નથી. લોકો તેમના કામનુ ગૌરવ અનુભવે છે. તેમનો બિઝનેસ બંધ થયો છે અને તેમને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું છે તે તેમની ભૂલ નથી.’’
પોતાના 40મા જન્મ દિને યોજના અંગે માહિતી આપતા સુનકે જણાવ્યુ હતુ કે ‘’જુલાઈના અંત સુધી, યોજનામાં કોઈપણ ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં સ્કીમનો ઉપયોગ કરી રહેલા એમ્પ્લોયરો ફર્લોવાળા કર્મચારીઓને પાર્ટ ટાઇમ માટે પાછા લાવી શકશે. અમે એમ્પ્લોયરોને લોકોને પગાર ચૂકવવાનો ખર્ચ સરકાર સાથે વહેંચવા જણાવીશું. જેની સંપૂર્ણ વિગતો મેના અંત સુધીમાં આવશે.’’ એવી શક્યતાઓ છે કે તેઓ જુલાઇ પછી વેતનની રકમ 60 ટકા કરી દેશે કેમ કે મિનીસ્ટર્સ લોકોને કામ પર પાછા ફરવા અને અર્થવ્યવસ્થાને દોડતી કરવા લોકડાઉન હળવુ કરવા વિનંતી કરે છે. સંસદસભ્યોના સવાલોના જવાબ આપતા વડાપ્રધાન જ્હોન્સને કહ્યું હતુ કે ‘મને લાગે છે કે ફર્લો યોજના સરકારના પ્રતિસાદની સૌથી નોંધપાત્ર લાક્ષણિકતા છે અને તેના જેવી યોજના આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળતી નથી. હાલમાં સાડા છ મિલીયન લોકોને ટેકો મળી રહ્યો છે અને તે આપણે આપવો જ જોઈએ.’’
ટ્રેડ્સ યુનિયન કૉંગ્રેસે આ જાહેરાતની પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘’સરકારે ‘યુનિયનની વાત સાંભળી છે અને ઓક્ટોબર સુધી નોકરી જાળવી રાખવાની યોજના વધારી તે આવકાર્ય છે. લાખો કામદાર પરિવારોને મોટી રાહત થઇ છે.’’
બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ કિંગે આજે સવારે ચેતવણી આપી હતી કે ફર્લોની યોજના અર્થતંત્રની સ્થિતિ પર આધારીત હોવી જોઇએ કોઈ ચોક્કસ સમયગાળા નહીં. વેતનનું પ્રમાણ 80 ટકા રહેવું જોઈએ.
ડેપ્યુટી લેબર લીડર એન્જેલા રાયનરે કહ્યું હતુ કે ‘જ્યાં સુધી લોકોને જરૂર હોય ત્યાં સુધી ફર્લો કવર ચાલુ રાખવું જોઈએ. મને લાગે છે કે ચાન્સેલર તેને ચાલુ રાખીને સારૂ કર્યુ છે. તેને ખૂબ જલ્દીથી ઘટાડવુ જોઇએ નહિ. કારણ કે તે આપણને લાંબા ગાળે ખર્ચ અસર કરશે. જો આ યોજના ન હોત તો ઘણા પરિવારો ટકી શક્યા ન હોત. સરકારે બરોબર પગલું ભર્યું છે.