વંદે ભારત મિશન અંતર્ગત 7 મે 2020થી અત્યાર સુધીમાં 6 દિવસમાં 8503 ભારતીયો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ભારત આવતી 43 ફ્લાઇટ્સમા સ્વદેશ પરત આવ્યા છે. ભારત સરકારે 7 મે 2020ના રોજ વંદે મિશનની શરૂઆત કરી છે જેનો ઉદ્દેશ્ય કોવિડ-19 મહામારીના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનો છે જે સરકારની સૌથી મોટી પહેલોમાંથી એક છે.
આ મિશન અંતર્ગત, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભારતીયોને તેમની માતૃભૂમિમાં પરત લાવવા માટે વિદેશ મંત્રાલય અને રાજ્ય સરકારો સાથે સંકલન સાધીને કામ કરી રહ્યું છે. એર ઇન્ડિયા પોતાની સહાયક સેવા એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે મળીને 12 દેશ એટલે કે USA, UK, બાંગ્લાદેશ, સિંગાપોર, સાઉદી અરબ, કુવૈત, ફિલિપાન્સ, યુનાઇટેડ આરબ અમિરાત અને મલેશિયા માટે કુલ 64 ફ્લાઇટ્સ (એર ઇન્ડિયાની 42 અને એર ઇન્ડિયા એક્સપ્રેસની 24)નું સંચાલન કરી રહી છે જેથી પહેલા તબક્કામાં 14,800 ભારતીયોને પરત લાવી શકાય.
ભારતીયોને વિદેશમાંથી સુરક્ષિત પરત લાવવા માટે આ વિરાટ હવાઇ મિશન દરમિયાન દરેક કાર્ય કરતી વખતે સરકાર અને DGCA દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા સુરક્ષા અને સ્વચ્છતાના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એર ઇન્ડિયાએ આ સંવેદનશીલ તબીબી એવેક્યુશન મિશનમાં ભારતીયો, ચાલકદળના સભ્યો અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં કોઇ કસર છોડી નથી.