ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (12 મે) કોરોના વાઈરસના રોગચાળાથી થંભી ગયેલા દેશના અર્થતંત્રની ગાડી ફરી દોડતી કરવા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત દેશને સંબોધનમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સંકટનો સામનો કરતા, નવા સંકલ્પ સાથે હું આજે વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરું છું.
આ આર્થિક પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વની કડી તરીકે કામ કરશે. આત્મનિર્ભર ભારતની ભવ્ય ઇમારત પાંચ પિલર્સ પર ઉભી હશે – પ્રથમ પિલર ઈકોનોમી, બીજો પિલર ઈન્ફાસ્ટ્રક્ચર, ત્રીજો પિલર આપણી સીસ્ટમ, ચોથો પિલર આપણી લોકશાહી અને પાંચમો પિલર ડીમાન્ડ તેમણે ગણાવ્યો છે. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર એ આત્મનિર્ભરતાની વાત કરે છે, જેનો આત્મા વસુધૈવ કુટુંબકમ છે.
લોકોની સૌથી મોટી અપેક્ષા લોકડાઉનનું હવે પછી શું થશે તે વિષે જાહેરાતની હતી, તેની વિગતો તો મોદીએ જાહેર કરી નહોતી, ફક્ત એટલું કહ્યું હતું કે, ચોથા તબક્કાનું લોકડાઉન તદ્દન અલગ નિયમો અને છુટછાટો સાથેનું હશે, પણ તેની નક્કર વિગતો હવે પછી, 18મી પહેલા જાહેર કરાશે. આ રીતે, લોકડાઉન ચારની વિગતો વિષે લોકો નિરાશ થયા હતા.
કોરોના સંકટ શરુ થયું ત્યારે ભારતમાં એક પણ પીપીઈ કિટ બનતી નહોતી. એન-95 માસ્કનું ભારતમાં નામમાત્રનું ઉત્પાદન થતું હતું. આજે ભારતમાં દરરોજ 2 લાખ PPE કિટ્સ અને 2 લાખ એન-95 માસ્ક બની રહ્યા છે.
તેમણે કહ્યું કે એક રાષ્ટ્ર તરીકે આજે આપણે ઘણા મહત્વના વળાંક ઉપર ઉભા છીએ. આટલું મોટું સંકટ ભારત માટે એક સંકેત લઈને આવી છે, એક સંદેશ લઈને આવી છે. એક તક લઈને આવી છે. વિશ્વની આજની સ્થિતિ આપણને શીખવાડે છે તેનો માર્ગ એક જ છે ‘આત્મનિર્ભર ભારત’. આપણે કોરોના પહેલાના વિશ્વ અને કોરોના પછીના વિશ્વ – બંને કાળખંડોને ભારતની નજરથી જોઈએ તો લાગે છે કે 21મી સદી ભારતની હોય, આ આપણું સપનું નથી, આ આપણી બધાની જવાબદારી પણ છે.
થાકવું, હારવું, તુટવું, વિખેરાઇ જવું માણસને મંજૂરી નથી. સતર્ક રહેતા આવી જંગના બધા નિયમોનું પાલન કરતા, હવે આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. તેમણે કહ્યું કે કોરોના વાઈરસથી લડતા આપણને ત્રણ મહિના થઈ ગયા છે. ભારતમાં લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. એક વાઈરસે દુનિયાને તહસ-મહસ કરી દીધી છે.
મોદીએ 19 માર્ચે કોરોના વાઈરસ વિષે દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. તેમણે 22 માર્ચે જનતા ફર્ફ્યૂં દરમિયાન સાંજે પાંચ કલાકે પાંચ મિનિટ સુધી બધા લોકોને તાળી વગાડી આભાર વ્યક્ત કરવાની વાત કરી હતી.જનતા ફર્ફ્યૂંના બે દિવસ પછી 24 માર્ચે વડાપ્રધાન મોદીએ રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
આ દરમિયાન પીએમે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. તે 14 એપ્રિલ સુધી ચાલ્યું હતું. લૉકડાઉન ફેઝ 1 દરમિયાન મોદીએ 3 એપ્રિલે ત્રીજી વખત વીડિયો સંદેશ દ્વારા દેશને સંબોધિત કરતા 5 એપ્રિલે રાત્રે 9 કલાકે નવ મિનિટ માટે ઘરની લાઇટો બંધ કરી દીવા પ્રગટાવવાની અપીલ કરી હતી. મોદીએ 14 એપ્રિલે લૉકડાઉન દરમિયાન ચોથી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન 3 મે સુધી લૉકડાઉન વધારવાની જાહેરાત કરી હતી.