ભાવનગરમાં મોડી રાત્રે નોંધાયેલા નવા સાત કેસ તથા ગાંધીનગર જિલ્લામાં 14 કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7424 થઇ ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 449એ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1872 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 24 કલાકની કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, 390 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીના મૃત્યુ થયા છે. તો 163 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. નવા નોંધાયેલા 390 કેસોમાં અમદાવાદમાં 269 જ્યારે સુરત અને વડોદરામાં 25-25 કેસ તો અરવલ્લીમાં 20 કેસ નોંધાયા છે.
સમગ્ર રાજ્યની 6.80 કરોડની વસ્તીમાં હાલ દર દસ લાખે 109 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ છે. આ દર સમગ્ર દેશમાં દસ લાખે માત્ર 43 લોકો કોરોના પોઝિટિવ હોવાનો છે. આમ જોઇએ તો સમગ્ર દેશમાં દસ લાખે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ કરતાં ગુજરાતની સરેરાશ બમણાંથી પણ વધુ છે.ગુજરાતમાં પહેલી મેથી સાતમી મે સુધીમાં નવા નોંધાયેલાં પોઝિટિવ કેસની સંખ્યા રોજના સાત ટકાના ઉછાળા સાથે વધી છે.