કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં માલગાડીની લપેટમાં આવવાથી કેટલાક પ્રવાસી મજૂરોના મૃત્યુ પર દુઃખ જાહેર કરતા કહ્યું છે કે, રાષ્ટ્રનું નિર્માણ કરનાર મજૂરો સાથે જે પ્રકારનો વ્યવ્હાર કરાઈ રહ્યો છે તે જોઈને શરમ આવવી જોઇએ. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે માલગાડીની નીચે કચડાઈ જવાના કારણે મોતને ભેટેલા મજૂર ભાઈ-બહેનોના મૃત્યુના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો. આપણે આપણે રાષ્ટ્રનું નિર્માણ કરનારાઓની સાથે જે રીતે વ્યવહાર કરી રહ્યા છીએ તેના પર આપણને શરમ આવવી જોઇએ.
રાહુલ ગાંધીએ કહ્યું, મૃત્યુ પામેલ લોકોના પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરું છું. નોંધનીય છે કે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ટ્રેનના પાટા પર સુઈ રહેલા ઓછામાં ઓછા 16 પ્રવાસી મજૂરોએ શુક્રવારે સવારે માલગાડીની અડફેટે આવી જઈને અંતિમ શ્વાસ ભર્યા હતા. પોલિસ અધિકારીના જણાવ્યા અનુસાર કરમાડ પોલિસ સ્ટેશનની સરહદમાં આવતા વિસ્તારમાં સવારે સવા પાંચ વાગ્યે થયેલ આ દુર્ઘટનામાં અન્ય બે મજૂરો ઈજાગ્રસ્ત થયા છે.
કરમાડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મધ્ય મહારાષ્ટ્રના જાલવાથી ભુસાવલ તરફ ચાલીને જઇ રહેલા મજૂરો તેમના ઘરે, તેમના માદરે વતન મધ્ય પ્રદેશ પરત ફરી રહ્યા હતા. તેઓ રેલ્વેના પાટે પાટે ચાલી રહ્યા હતા અને રસ્તામાં થાકી જવાના કારણે પાટા પર જ સુઈ ગયા હતા. જાલનાથી આવી રહેલી માલગાડીના ડ્રાઈવરને પાટા પર આવી રીતે મજૂરો સૂતા હોવાનો અંદાજો પણ નહતો અને જ્યારે તેમને આ અંગે ખબર પડી ત્યારે તેમણે માલગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેમ છતા માલગાડી પાટા પર સુઈ રહેલા મજૂરો પર ચઢી ગઈ હતી.
પોલિસ અધિકારી સંતોષ ખેતમલાસે જણાવ્યું કે, જાલનામાં એક ફેક્ટરીમાં કામ કરનારા મજૂરો ગઈ કાલે રાત્રે ચાલીને પોતાના ગ્રુહ રાજ્ય મધ્ય પ્રદેશ પરત ફરી રહ્યા હતા. તેઓ કરમાડ સુધી આવ્યા અને થોકીને પાટા પર સુતા હતા. આ ગ્રુપની સાથે ચાલી રહેલા બીજા ત્રણ મજૂરો રેલ્વેના પાટાથી થોડા દૂર સુઈ રહ્યા હતા તેથી તેઓ બચી ગયા.