વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 39 લાખ 17 હજાર 532થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. 2 લાખ 70 હજાર 720 લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખ 44 હજાર 120 લોકોને સારવાર પછી હોસ્પિટલમાં રજા અપાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના નવા સ્ટડીમાં ચોકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં કહેવાયું છે કે સંક્રમણનો કડક વલણથી સામનો કરવામાં ન આવ્યો તો આફ્રિકામાં 83 હજારથી 1.90 લાખ સુધી લોકોના મોત થઈ શકે છે. પ્રથમ વર્ષમાં 2.9 કરોડથી 4.4 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.
રશિયાએ સંક્રમણના કેસમાં જર્મની અને ફ્રાન્સને પાછળ છોડ્યા છે. સૌથી વધારે પ્રભાવિત દેશમાં તે પાંચમાં નંબરે પહોંચી ગયો છે. રશિયામાં પોઝિટિવ કેસ 1.77 લાખથી વધારે નોંધાયા છે. જ્યારે ફ્રાન્સમાં 1.74 લાખથી વધારે અને જર્મનીમાં 1.69 લાખથી વધારે નોંધાયા છે.અમેરિકામાં 12 લાખ 92 હજાર 623 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમા 76 હજાર 928 લોકોએ જીવ ગુમાવ્યા છે.
અત્યાર સુધીમાં અમેરિકામાં 82 લાખ 97 હજાર 562 લોકોના ટેસ્ટ કરાયા છે.અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત થયા છે, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ છે. પોતાના સૈન્ય સહયોગીનો રિપોર્ટ પોઝિટિવ આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દરરોજ તેનો રિપોર્ટ કરાય છે. સંક્રમિત અધિકારી મારા સંપર્કમાં ખૂબ જ ઓછો રહ્યો હતો.