બોરીસ જ્હોન્સન અર્થતંત્રને બચાવવા માટે સોમવારથી પાંચ-પગલાની યોજના જાહેર કરી બ્રિટનના છ અઠવાડિયાના કોરોનાવાયરસ લોકડાઉનને હટાવી આંશીક મુક્તિ આપનાર છે. સરકાર દ્વારા ‘સ્ટે હોમ’ના નારાને બદલે ‘સ્ટે સેફ, સેવ લાઇવ્સ’ નારાને બુલંદ કરવામાં આવશે. લોકડાઉનની નવી મુક્તિમાં કસરત કરવાની મર્યાદામાં અને પિકનીક તેમજ ગ્રામીણ પ્રવાસો માટે નવા પાંચ-પગલા રોડમેપમાં મંજૂરી આપવામાં આવશે.
વડાપ્રધાન બોરીસ જ્હોન્સન રવિવારે રાષ્ટ્ર જોગ સંબોધનમાં લોકડાઉનમાંથી બહાર નીકળવાની યોજનાની જાહેરાત કરનાર છે. સોમવારે ગાર્ડન સેન્ટર ફરી ખુલશે અને કામદારો ખુલ્લા થઇ રહેલા બિઝનેસીસમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. જો કે, નિયંત્રણો હળવા થયા પછી જો યુકેમાં વાયરસનો બીજો જીવલેણ ઉથલો આવશે તો લોકડાઉનની યોજનાઓ બદલાઈ શકે છે. યુકેમાં સત્તાવાર મૃત્યુ આંક 30,000થી વધુ છે જે યુરોપમાં સૌથી વધુ છે. પરંતુ વલણો સૂચવે છે કે મરણ પામનારની સંખ્યા વધારે હોઈ શકે છે.
નવી યોજનાઓ અંતર્ગત આઉટડોર પ્રવૃત્તિઓને હળવી કરી બિઝનેસીસને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા સાથે કઇ રીતે કામ શરૂ કરી શકાય તે શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. સરકાર માટે લોકડાઉનના નિયમો હળવા કરવા સિવાય કોઇ છૂટકો નથી કારણ કે બેન્ક ઑફ ઇંગ્લેન્ડે ચેતવણી આપી છે કે જીડીપી આ વર્ષના પ્રથમ ભાગમાં લગભગ 30 ટકા ઘટશે અને બેરોજગારી 9 ટકા સુધી પહોંચી શકે છે. 2020માં અંદાજીત 14 ટકાના ઘટાડાથી આશરે £300 બિલીયનનું ઉત્પાદન ઓછુ થશે અને 300 વર્ષથી વધુ ખરાબ મંદી આવશે. ભૂતપૂર્વ ચાન્સેલર એલિસ્ટર ડાર્લિંગે ચેતવણી આપી હતી કે કદાચ બેંક ખૂબ આશાવાદી હશે.
એક કેબિનેટ મિનીસ્ટરે જણાવ્યા મુજબ ચેપના દર અથવા આર (રીપ્રોડક્શન રેશીયો)ને કેટલી અસર થાય છે તેના આધારે લોકડાઉન સરળ કરવામાં આવશે. માનવામાં આવે છે કે સરકારે આજથી ઑક્ટોબર વચ્ચે ધીમે ધીમે લોકડાઉનને સરળ બનાવવા માટે 50 પાનાનો બ્લુપ્રિન્ટ પ્લાન તૈયાર કર્યો છે. જો કે, જહોન્સન નિકોલા સ્ટર્જન અને એન્ડી બર્નહામ જેવા લેબર મેયર તરફથી લડતનો સામનો કરે છે, જેઓ ચેતવણી આપી રહ્યા છે કે તે મોટી છૂટ આપવી બહુ વહેલી છે. શ્રીમતી સ્ટર્જને કહ્યું હતું કે સ્કોટલેન્ડમાં સ્થિતી અન્ય કરતા વધુ ખરાબ છે.
લોકડાઉન હળવુ કરવાના લીક થયેલા પાંચ પગલા
પહેલું પગલું: સોમવારથી ગાર્ડન સેન્ટર ખોલવાની ધારણા છે, વધુ કી કામદારોનાં બાળકો શાળાએ જશે અને વધુ કર્મચારીઓ નોકરી પર પાછા ફરશે જે લોકડાઉન દરમિયાન ખુલ્લા રહ્યા હતા. ‘દિવસમાં એકવાર’ કસરત કરવા જવા દેવાનો નિયમ પણ રદ કરાશે. અન્ય લોકોથી બે મીટર દૂર રહીને સૂર્યસ્નાન કરતા કે બેન્ચ પર બેઠેલા લોકોને પોલીસ નહિ અટકાવે. વતન અને પિકનિક માટે ગ્રામ્ય વિસ્તારોમાં જતા પરિવારોને રોકવામાં આવશે નહિ.
બીજું પગલું: મેના અંતથી પ્રાથમિક શાળાઓ ધીમે ધીમે નાના વર્ગો સાથે શરૂ થશે. લોકો ગોલ્ફ, ટેનિસ અને એંગલિંગ જેવી આઉટડોર સ્પોર્ટ્સનો આનંદ માણી શકશે.
ત્રીજું પગલું: જૂનના અંતથી માધ્યમિક શાળાઓ ફરી ખુલશે સાથે સાથે કેટલીક આઉટડોર રમતો અને કેફે ખોલવા મંજૂરી અપાશે. 30 જેટલા લોકોના કાર્યક્રમને મંજૂરી અપાશે.
ચોથુ પગલું: ઓગસ્ટના અંતથી પબ અને રેસ્ટોરન્ટ્સને કડક સામાજિક અંતરના નિયમોનુ પાલન કરવાની શરતે ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
પાંચમુ પગલું: કોરોનાવાયરસના કેસોનો દર ઓછો હશે તો ઇકોનોમીના બાકીના તમામ ક્ષેત્રો જેવા કે જીમ, રમતગમતની મેચો કડક સામાજિક અંતરના નિયમોનુ પાલન કરવાની શરતે રમવા દેવાશે.